Vadodara: ધનતેરસના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરના બજારોમાં લોકો સોનાં-ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની ખરીદી માટે પરંપરાગત રીતે નીકળ્યા હતા, પરંતુ આ વર્ષે સોનાં-ચાંદીના ઊંચા ભાવને કારણે બજારમાં ઘરાકી પર સીધી અસર જોવા મળી હતી. સામાન્ય રીતે ધનતેરસના દિવસે સોનાં-ચાંદીની દુકાનોમાં ખરીદદારોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે વડોદરાના જાણીતા ચોકસી બજારમાં ભીડ ઘટી ગઈ હતી.
ધનતેરસના શુભ મુહૂર્તમાં લોકોએ અગાઉથી બુક કરાયેલ સોનાં-ચાંદીની લગડીઓ, સિક્કા અને દાગીનાની ખરીદી કરી હતી. જો કે અન્ય વર્ષોની તુલનામાં આ વર્ષે બજારમાં ઉત્સાહ થોડો ધીરો જોવા મળ્યો હતો. વેપારીઓ મુજબ કિંમતોમાં આવેલા ભારે વધારાને કારણે સામાન્ય ગ્રાહકોએ ખરીદીની માત્રામાં ઘટાડો કર્યો છે.
સોનાં-ચાંદીના વેપારી અપૂર્વભાઈ ચોક્સીએ જણાવ્યું કે, આ વર્ષે સોનાનો ભાવ આશરે રૂ 1.30 લાખ પ્રતિ 100 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ રૂ. 1.70 લાખ પ્રતિ કિલો સુધી નોંધાયો છે. ગત વર્ષે ભાવ તુલનાત્મક રીતે ઓછા હોવાથી સારી ઘરાકી જોવા મળી હતી, પરંતુ આ વર્ષે વધેલા ભાવના કારણે સામાન્ય ઘરાકી જ જોવા મળી રહી છે.
અપૂર્વ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સોનાં-ચાંદી પર 3 ટકા જીએસટી યથાવત્ રહેવાને કારણે નીતિની સીધી અસર તો નથી, પરંતુ ઊંચા ભાવે ગ્રાહકો ખરીદી ઓછી કરવા મજબૂર થયા છે.
ખરીદી કરવા આવેલા ગ્રાહકોમાં દીપિકા પટેલે જણાવ્યું કે, ધનતેરસના શુભ દિવસે દર વર્ષે અમે સોનાં-ચાંદીની ખરીદી કરીએ છીએ, પરંતુ આ વર્ષે ભાવ ખૂબ જ વધારે હોવાને કારણે માત્ર પ્રતિકાત્મક રીતે જ ખરીદી કરી છે. મનપસંદ દાગીનાં ખરીદવામાં મુશ્કેલી અનુભવી છે.
એકંદરે, વડોદરામાં સોનાં-ચાંદીના બજારમાં ધનતેરસની ધાર્મિક આસ્થા યથાવત્ રહી, પરંતુ કિંમતોમાં થયેલા ભારે વધારાને કારણે ખરીદીનું પ્રમાણ ઘટ્યું છે. વેપારીઓના મતે આ વર્ષે ધનતેરસે બજારમાં મંદીનો માહોલ છવાયો હોવાનું જણાય છે.
