Morbi: સળગેલી હાલતમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, જમાઈએ જ બે મિત્રો સાથે મળીને ઝઘડાળું સાસુની હત્યા કરી હોવાનું ખુલ્યું

દીકરીના ઘરે રહેતી સાસુ નાની-નાની વાતે ઝઘડા કરતી અને ગાળો ભાંડતી હોવાથી જમાઈએ તેને મારવાનું નક્કી કર્યું. પત્ની પુત્ર સાથે વતન ગઈ, ત્યારે સાસુનો ખેલ પાડી દીધો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 18 Oct 2025 08:10 PM (IST)Updated: Sat, 18 Oct 2025 08:10 PM (IST)
morbi-news-son-in-law-killed-mother-in-law-deadbody-found
HIGHLIGHTS
  • મૂળ મહારાષ્ટ્રનો પરિવાર મોરબીના શિવપાર્ક પીપળીમાં રહેતો હતો
  • હત્યારા જમાઈના બે મિત્રો હજુ પોલીસ પકડથી દૂર

Morbi: થોડા દિવસ અગાઉ મોરબી જિલ્લાના હળવદ હાઈવે પર આવેલ આંદરણા ગામની સીમમાં અજાણી મહિલાનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસના અંતે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં મૃતક મહિલાની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેના જ જમાઈએ પોતાના બે મિત્રો સાથે મળીને કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 13 ઓક્ટોબરના રોજ આંદરણા ગામની સીમમાં હરખજીભાઈ કુંડારિયાની વાડીના સેઢા પાસેથી 45 થી 50 વર્ષની અજાણી મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે લાશ સળગાવી દેવામાં આવી હોવાનું જણાતું હતુ. આથી પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો દોર લંબાવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ સુશીલાબેન વસંતભાઈ પાટીલ તરીકે થઈ હતી. જ્યારે આ મામલે પોલીસે મૃતકના જમાઈ નાનેશ્વર પંડરી પવાર (ઉં.વ. 41, રહે. શિવપાર્ક પીપળી, મોરબી, મૂળ વતન મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી.

આરોપીએ કબૂલાત કરી હતી કે, તે તેની પત્ની, બે પુત્ર અને મૃતક સાસુ સુશીલાબેન સાથે રહેતો હતો. જ્યાં તેની સાસુ સુશીલાબેન કોઈ કારણ વિના પત્ની અને બાળકો સાથે નાની-નાની વાતે ઝઘડો કરીને અપશબ્દો બોલતા હતા. સાસુના ઝઘડાળુ સ્વભાવથી કંટાળીએ જમાઈ નાનેશ્વરે પોતાના બે મિત્રો સાથે મળીને સાસુને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવ્યો હતો.

જ્યારે પત્ની અને મોટો દીકરો વતનમાં ગયા ત્યારે નાનેશ્વરે પોતાના મિત્ર રાહુલ ડામોર અને બીજા સાગરિત સાથે મળીને સાસુની ઘાતકી હત્યા કરીને તેની લાશ સળગાવી દીધી હતી. હાલ તો પોલીસે ગુનામાં વપરાયેલી બાઈક અને મોબાઈલ મળી કુલ 55 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે હત્યારા જમાઈ નનેશ્વરના અન્ય બે મિત્રોની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.