Vadodara: સાવલીના MLA કેતન ઈનામદારની મોટી જાહેરાત- 'હવે કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા નહીં, 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું'

થોડા દિવસ પૂર્વે કેતન ઈનામદારે પોતાના વિસ્તારમાં વિકાસના કામોને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ પણ ધારાસભ્યનું માન ના રાખતા હોવાની ફરિયાદ મુખ્યમંત્રી સુધી કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Mar 2026 09:31 PM (IST)Updated: Fri, 06 Mar 2026 09:31 PM (IST)
vadodara-news-bjp-mla-ketan-inamdar-says-no-political-ambition-will-not-fight-2027-election
HIGHLIGHTS
  • ચૂંટણીલક્ષી રાજકારણથી દૂર રહીને પોતાના વિસ્તારના લોકોની સેવા કરતો રહીશ: કેતન ઈનામદાર
  • ધારાસભ્ચના નિર્ણય પાછળનું કારણ અકબંધ, સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા

Vadodara: વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં સ્થાનિક રાજકીય વર્તુળો અને તેમના સમર્થકોમાં અનેક અટકળો થઈ રહી છે.

હકીકતમાં કેતન ઈનામદારે જણાવ્યું કે, હવે તેમની કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા નથી. તેઓ માત્ર લોકોની સેવા પર જ ધ્યાન આપશે. આગામી સમયમાં ચૂંટણીલક્ષી રાજકારણથી દૂર રહીને પોતાના વિસ્તારના લોકોની સેવા કરતા રહેશે. જો કે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી કર્યું.

તાજેતરમાં જ કેતન ઈનામદારે વિકાસના કામોને લઈને અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મારા વિસ્તારમાં વિકાસના કામો યોગ્ય રીતે આગળ નથી વધી રહ્યા. કેટલાક અધિકારીઓ ધારાસભ્યનું માન પણ રાખતા નથી. આ મુદ્દાને લઈને તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળી આવ્યા હોવાનું કહેવાય છે.

આ સાથે જ ધારાસભ્યએ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, 2009 થી 2026 સુધી એક જ વ્યક્તિ સત્તામાં રહી છે. હવે બીજા લોકોને તક આપવી જોઈએ. 17 વર્ષ સુધી ડિરેક્ટર રહ્યા છતાં હજુ સુધી પેટ નથી ભરાયું. તેઓ અથવા તેમના પરિવારનો કોઈ સભ્ય ડેરીની ચૂંટણીમાં ભાગ નહીં લે.

અપક્ષ તરીકે ચૂંટાઈને ધારાસભ્ય બન્યા બાદ કેસરિયા કર્યાં (Savli MLA Ketan Inamdar)

કેતન ઈનામદારની રાજકીય સફર પણ ખાસ કરી છે. 2010માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત્યા બાદ તેમણે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેતન ઈનામદારે સાવલી બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીત મેળવી હતી. જે બાદ તેઓ ભાજપમાં ભળી ગયા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર લડીને જીત મેળવી હતી.