Vadodara: વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આવી જ એક ગંભીર ઘટના 14 નવેમ્બરની રાત્રે માંજલપુર વિસ્તારમાં બની હતી. જેમાં પૂરપાટ ઝડપે દોડતા બાઈક ચાલકે રોડ ક્રોસ કરતા 28 વર્ષીય યુવક બિપિન ગૌતમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બિપિનને લગભગ 10 ફૂટ સુધી ઘસડાયો હતો અને બાઈક રસ્તા પર ઘસડાતા તણખા ઉડતા CCTVમાં સ્પષ્ટ રીતે કેદ થયા છે.
ગંભીર ઈજાઓથી પીડિત બિપિનને તરત જ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું કરૂણ અવસાન થયું હતું. અકસ્માત સર્જનાર બાઈકચાલકને પણ ઈજાઓ થતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો
જો કે ઘટનાના થોડા સમય બાદ જ બાઈકચાલકના સંબંધીઓ રાત્રે જ રેસ્ટોરન્ટ આગળથી બાઈક લઇ ફરાર થઈ ગયા હતા. બાઈકચાલક કોણ છે અને તે ક્યાં સારવાર લઈ રહ્યો છે તેની માહિતી મેળવનાં પ્રયાસો પોલીસ દ્વારા ચાલુ છે.
મૃતક બિપિન ગૌતમ તુલસીધામ ચાર રસ્તાથી કબીર કોમ્પ્લેક્સ તરફ રાત્રે પોતાના સંબંધીઓને લેવા જતો હતો, ત્યારે અકસ્માત થયો હતો. રેસ્ટોરન્ટ માલિક મુકેશભાઈ માખીજાની મુજબ, બિપિન મારી પાસે પંજાબી ઝાયકા રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. અકસ્માત બાદ તે વાતચીત કરી શકતો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેનું મોત થયું. બાઈકચાલક સામે કડક કાર્યવાહી થાય અને મૃતકને ન્યાય મળે તેવી અમારી માંગ છે.
મૃતકના મિત્ર શિવમ ગૌતમે પોલીસ વિલંબનો આક્ષેપ કરતાં જણાવ્યું કે તેઓ ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે અને વડોદરા રોજીરોટી માટે આવ્યા છે. તેમણે જણાવ્યું કે, “CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે બાઈક પૂરપાટ ઝડપે આવી હતી. અમે પોલીસને રાત્રે જ અરજી કરી હતી, છતાં બીજા દિવસ બપોરે 12 વાગ્યા સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પરિવારની પરિસ્થિતિ નાજુક છે, તેના ઘરે કમાવનાર બીજુ કોઈ નથી.
માંજલપુર પોલીસ સ્ટેશનના PI એલ.ડી. ગમારાએ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું કે અકસ્માતનો ગુનો નોંધાયો છે તથા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે. બાઈકચાલક સામે કાનૂની કાર્યવાહી થશે.જોકે આ બનાવે ફરી એકવાર વડોદરા શહેરમાં ટ્રાફિક શિસ્ત અને બેદરકારીથી થતા અકસ્માત અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
