Vadodara: પાદરામાં અંધશ્રદ્ધાના અડ્ડા પર વિજ્ઞાન જાથાના દરોડા, પોલીસ મકાનમાં પ્રવેશે તે પહેલા જ ભુવાજી પાછલા બારણેથી રફુચક્કર

ભુવાજી સંતાન પ્રાપ્તિ, અસાધ્ય બીમારીઓ મટાડવા અને દુઃખ-દર્દ દૂર કરવાના બહાને ભાળો લોકોને ફસાવીને મસમોટી રકમ પડાવતા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 May 2026 11:01 PM (IST)Updated: Sun, 03 May 2026 11:01 PM (IST)
vadodara-news-bharat-jan-vigyan-jatha-exposes-superstition-racket-at-padara
HIGHLIGHTS
  • રામનગર વિસ્તારમાં લોકોના ટોળા ઉમટ્યા, પોલીસે તપાસનો ધમધમાટ

Vadodara: એક તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ સમાજમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાના મૂળિયા હજુ પણ ઊંડા હોવાનું સામે આવ્યું છે. વડોદરા જિલ્લાના પાદરામાં ધર્મના નામે લોકોને છેતરતા એક ભુવાજીના અડ્ડા પર ભારત જન વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખી દરોડા પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે, દરોડાની ગંધ આવી જતાં ભુવાજી સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાદરા રેલવે સ્ટેશન નજીક આવેલા રામનગર વિસ્તારમાં એક ભુવાજી છેલ્લા ઘણા સમયથી ધર્મના ઓથા હેઠળ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી.

ભારત જન વિજ્ઞાન જાથાને માહિતી મળી હતી કે, આ ભુવાજી સંતાન પ્રાપ્તિ, દુઃખ-દર્દ નિવારણ અને અસાધ્ય શારીરિક બીમારીઓ મટાડવાના બહાને ભોળા લોકોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી મોટી રકમ અને વિવિધ ચીજવસ્તુઓ પડાવતા હતા.

આ અમાનવીય અને ગેરકાયદે પ્રવૃત્તિને ખુલ્લી પાડવા માટે આજે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ પાદરા પોલીસ સાથે રામનગર ખાતે ભુવાજીના નિવાસસ્થાને ત્રાટકી હતી. પોલીસનો કાફલો જોઈને આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ ટોળામાં એવા પણ અનેક લોકો હાજર હતા, જેઓ આ અંધશ્રદ્ધાની માયાજાળમાં ફસાઈને છેતરાયા હતા. જો કે પોલીસ મકાનમાં પ્રવેશે તે પહેલા જ શાતિર ભુવાજી પાછલે બારણેથી ફરાર થઈ ગયા હતા.

સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, ભુવાજીના સાગરિતો પણ આ છેતરપિંડીના નેટવર્કમાં સામેલ હતા અને લોકોને લલચાવીને અહીં સુધી લાવતા હતા. વિજ્ઞાન જાથા દ્વારા આ સ્થળેથી અંધશ્રદ્ધા ફેલાવવા માટે વપરાતી વિવિધ સામગ્રીઓ અંગે પણ તપાસ કરવામાં આવી છે.

હાલમાં આ સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે છેતરપિંડી અને અંધશ્રદ્ધા ફેલાવવા અંગેની કલમો હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરાર ભુવાજી અને તેના સાગરિતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.