Surat: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો માનવીય અભિગમ, અકસ્માત જોઈ કાફલો થોભાવી ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો

હોસ્પિટલમાં પણ આગોતરી જાણ કરીને યુવકને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી આપી, સ્થાનિકોએ મંત્રીનો આભાર માન્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 May 2026 10:44 PM (IST)Updated: Sun, 03 May 2026 10:44 PM (IST)
surat-news-education-minister-praful-pansheriya-help-accident-victim-at-sarthana
HIGHLIGHTS
  • એમ્બ્યુલન્સની રાહ જોયા વિના પોતાની પાયલોટિંગ પોલીસ વાનમાં જ યુવકને બેસાડી દીધો

Surat: ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુ એકવાર માનવીય સંવેદનનાની પ્રતીતિ કરાવતા સરથાણા એન્થમ સર્કલ નજીક અકસ્માતનો ભોગ બનેલા યુવકને પોતાની પાયલોટિંગ જીપમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.

રવિવારે રાત્રે અંદાજે 8:15 વાગ્યે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મહુવા-તળાજા ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એન્થમ સર્કલ પાસેથી પસાર થતી વખતે તેમની નજર રસ્તાની સાઈડમાં પડેલા એક 20-22 વર્ષના યુવાન પર પડી હતી, જે અકસ્માતનો ભોગ બન્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે રાતે સવા 8 વાગ્યાની આસપાસ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેમનો કાફલો સરથાણાના એન્થમ સર્કલ નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે મંત્રીની નજર રોડની સાઈડમાં અકસ્માતનો ભોગ બનેલા એક યુવક પર પડી હતી.

આથી મંત્રીએ તાત્કાલિક પોતાનો કાફલો થોભાવ્યો હતો અને નીચે ઉતરી યુવકની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સમયે ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, રસ્તામાં ભારે ટ્રાફિક હોવાથી એમ્બ્યુલન્સને આવવામાં વાર લાગી રહી છે. જેથી મંત્રીએ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના પોતાની પાયલોટિંગ જીપમાં ઈજાગ્રસ્ત યુવકને બેસાડીને તેને સારવાર અર્થે યોગી ચોક સ્થિત સમર્પણ હોસ્પિટલ પહોંચાડવાનો આદેશ આપી દીધો હતો.

આટલું જ નહીં મંત્રીએ હોસ્પિટલમાં પણ આગોતરી જાણ કરીને યુવકને સમયસર યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી હતી. હાલમાં યુવકની હાલત સ્થિર હોવાનું માલૂમ પડ્યું છે. બીજી તરફ મંત્રી પ્રફુલ પાનસુરીયાની કામગીરી જોઈને સ્થાનિક લોકોએ મંત્રીનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આજથી દોઢેક વર્ષ પૂર્વે પ્રફુલ પાનસેરિયા શિક્ષણ મંત્રી હતા ત્યારે પણ તેઓ સરકારી કામ અર્થે જઈ રહ્યા હતા. આ સમયે વરાછા રિંગ રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી પ્રફુલ પાનસેરિયાએ 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વિના પોતાની સરકારી ગાડીમાં જ સિક્યુરિટી ગાર્ડને ઉતારીને અકસ્માતનો ભોગ બનેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.