Vadodara: શહેરના નવાયાર્ડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં ગઈકાલે રાતે પોલીસની PCR વાન પર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી. આટલું જ નહીં, મહિલા પોલીસ કર્મચારી સાથે દુર્વ્યહાર કરવામાં આવ્યો હતો. આ મામલે ફતેગંજ પોલીસે ેક ઈસમની ધરપકડ કરી છે.
હકીકતમાં ગત રાતે નવાયાર્ડ વિસ્તારના અલ્ઝામાકાર ચોક નજીક કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસની PCR વાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં PCR વાનના કાચ તોડી નાંખ્યા હતા. જે બાદ મહિલા પોલીસ કર્મચારી સાથે દુર્વ્યહાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે વધુ ફોર્સ મંગાવીને એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ બનાવને લઈને સામાજિક કાર્યકર નાઝીમ શેખે જણાવ્યું કે, ગત રાતે પોલીસ વાન પર હુમલો કરવામાં આવ્યો અને તેમાં બેઠેલા મહિલા કર્મચારી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, તે નિંદનીય છે. આ બાબતની જાણ થતાં હું તાત્કાલિક દોડી આવ્યો હતો. નવાયાર્ડમાં રહેતા ગુંડા તત્વો વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ. આવા લોકોની સાચી જગ્યા જેલ છે. જે નશાખોર છે, તેઓ મોડી રાત સુધી જાગતા રહે છે. મોડી રાત સુધી ચાલતી ખાણીપીણીની લારીઓ પણ બંધ થવી જોઈએ. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
