Vadodara: વડોદરા એરપોર્ટ (હરણી) પર આવનાર તથા જનાર દિલ્હી રૂટની ફ્લાઇટ્સ પર ખરાબ હવામાનની સીધી અસર જોવા મળી છે. દિલ્હીમાં પ્રતિકૂળ હવામાન સર્જાતા એર ઈન્ડિયા એરલાઈન્સની વડોદરા–દિલ્હી–વડોદરા ફ્લાઇટ રદ કરવામાં આવતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને સોમવારની વહેલી સવારમાં મુસાફરી કરનાર યાત્રીઓ માટે અચાનક લેવાયેલા આ નિર્ણયથી એરપોર્ટ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.
એર ઈન્ડિયા એરલાઈન્સની ફ્લાઇટ નંબર AI-1808, જે દરરોજ સવારે 7.10 કલાકે દિલ્હીથી વડોદરા આવે છે અને સવારે 8.00 કલાકે વડોદરાથી દિલ્હી પરત ફરે છે, તે આજે સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ખરાબ હવામાન અને ઓપરેશનલ કારણોસર આ ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. ફ્લાઇટ રદ થવાની માહિતી મુસાફરોને અગાઉથી આપવામાં આવી હોવા છતાં, અનેક મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા બાદ રદ થવાની જાણ થતા પરેશાન બન્યા હતા.
ફ્લાઇટ રદ થવાને પગલે દિલ્હી જનાર વડોદરાના મુસાફરો માટે એરલાઈન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જરૂરિયાત મુજબ કેટલાક મુસાફરોને અમદાવાદ અથવા વડોદરાથી અન્ય ઉપલબ્ધ ફ્લાઇટ મારફતે દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુસાફરો ઇચ્છે તો તેમને ટિકિટની સંપૂર્ણ રિફંડ સુવિધા પણ આપવામાં આવશે તેમ એર ઈન્ડિયા તરફથી જણાવાયું છે.
બીજી તરફ ઈન્ડિગો એરલાઈનની દિલ્હી–વડોદરા–દિલ્હી ફ્લાઇટ નંબર 6E-5066/6662 પણ સમયસર ન આવી શકતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનના કારણે આ ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં અંદાજે ચાર કલાક મોડી પહોંચી હતી. લાંબી રાહ જોવી પડતાં મુસાફરોમાં અસંતોષ જોવા મળ્યો હતો.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે, મુસાફરી પહેલા પોતાની ફ્લાઇટની સ્થિતિ અંગે એરલાઈન સાથે સંપર્ક કરી માહિતી મેળવી લે, કારણ કે હવામાન પરિસ્થિતિને કારણે આગામી સમયમાં પણ ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી શકે છે.
