Dr Ramvilas Das Vedanti: અયોધ્યા રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનારા પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું સોમવારના રોજ નિધન થઈ ગયું છે. મધ્ય પ્રદેશના રિવામાં એક કથા મહોત્સવ દરમિયાન અચાનક તેમની તબીયત બગડી હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
77 વર્ષીય રામવિલાસ દાસ વેદાંતીનું અયોધ્યા રામ મંદિર આંદોલનમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ડૉ. રામવિલાસદાસ વેદાંતી 10 ડિસેમ્બરે જ દિલ્હીથી મધ્ય પ્રદેશના રીવા પહોંચ્યા હતા, જ્યાં તેમની રામકથા ચાલી રહી હતી. આ દરમિયાન બીમાર પડતાં છેલ્લા બે દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે જ તેમને દિલ્હી લઈ જવા માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે એર એમ્બ્યુલન્સ લેન્ડ ના થઈ શકી.
અયોધ્યામાં વિવાદિત માળખું ધ્વસ્ત કરવાના મુખ્ય આરોપીઓમાં પૂર્વ સાંસદ વેદાંતીનું નામ પણ સામેલ હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરુ મહંદ અવેધ નાથ તેમજ રામચંદ્રદાસ પરમહંસ સાથે-સાથે રામવિલાસ દાસ મેદંતી 90ના દાયકામાં મંદિરના આંદોલનમાં આગવી ભૂમિકા ભજવી હતી.
ડૉ. વેદાંતી 1996 અને 1998માં બે વાર સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમનો મૃતદેહ મોડી સાંજે અયોધ્યા પહોંચશે. તેમના શિષ્ય શિવમ ઉત્તરાધિકારી ડૉ. રાઘવેશદાસ અનુસાર, મંગળવારે સવારે 10 કલાકે તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થાય તેવી શક્યતા છે.
ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનો જન્મ રીવાના ગુઢવા ગામમાં 7 ઓક્ટોબર, 1958ના રોજ થયો હતો. તેઓ 12મી લોકસભામાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
હનુમાનગઢીના મહંત તેમજ રામ મંદિર ઉદ્ધારક મહંત અભિરામ દાસના શિષ્ય રામવિલાસ દાસ વેદાંતી હિન્દુ ધામ નયાઘાટમાં નિવાસ કરતાં હતા. તેમનું વશિષ્ઠ ભવન નામે આશ્રમ પણ છે. તેમણે રામલલા અને હનુમાનગઢી સમક્ષ અનેક દાયકાઓ સુધી રામકથાનું વાચન કર્યું હતુ. તેઓ સંસ્કૃતના પ્રખ્યાત વિદ્વાન પણ હતા.
