Vadodara: 'દુકાને જઈ આવું છું..' કહી નીકળેલી યુવતીનો અંકોડિયા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

મૃતદેહ પર ગળાના ભાઈ ઈજાના નિશાન દેખાતા હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન. હત્યારાનું પગેરું મેળવવા માટે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Dec 2025 11:31 PM (IST)Updated: Wed, 10 Dec 2025 11:31 PM (IST)
vadodara-news-25-years-old-missing-girl-deadboady-found
HIGHLIGHTS
  • ગોરવાની અઝીઝા દિવાન ગુમ થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

Vadodara: વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમ વિસ્તારમાં આજે સવારે ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અંકોડિયા ગામની સીમમાંથી પસાર થતાં સ્થાનિકે ખેતરમાં લાશ દેખાતાં તરત જ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ, પીઆઈ વિક્રમસિંહ ટાંક, ડીવાયએસપી સ્તરના અધિકારીઓ, એફએસએલ ટીમ તેમજ ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહનો કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ મોકલી દેવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ગોરવા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય અઝીઝા દિવાન તરીકે થઈ છે. યુવતીને ગળાના ભાગે ઈજાના નિશાન સ્પષ્ટ દેખાતા પોલીસે પ્રાથમિક અંદાજે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

અઝીઝા દિવાન થોડાક સમય પહેલા “દુકાને જઈ આવું છું” કહી ઘરેથી નીકળી હતી, ત્યારબાદ પાછી ન આવતા પરિવારજનોએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

અંકોડિયા ગામમાં લાશ મળતા અઝીઝા અહીં કેવી રીતે પહોંચી તે મોટો સવાલ ઉભો થયો છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી રહી છે તેમજ ઘટનાસ્થળેથી વિવિધ પુરાવા એકત્રિત કરી રહી છે.

પીઆઈ વિક્રમસિંહ ટાંકે જણાવ્યું, “મૃતદેહ પર ઈજાના નિશાન દેખાતા હત્યાનું અનુમાન છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ અમારી ટીમો તમામ ખૂણેખાંચરામાંથી માહિતી એકત્ર કરવામાં લાગી ગઈ છે.”

ગામના અગ્રણી અલ્પેશભાઈએ પણ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી ગામમાં સુરક્ષાની અછત જોવા મળી રહી છે અને આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચિંતા વધારી દીધી છે.

પોલીસે અઝીઝાની છેલ્લી લોકેશન, કોલ ડીટેઈલ્સ અને સીસીટીવી આધારિત ટેકનિકલ તપાસ શરૂ કરી છે. નજીકના સમયમાં કેસ ઉકેલાશે તેવી પોલીસ આશા વ્યક્ત કરી રહી છે.