Mehsana: કોઈ પણ સ્ત્રી માટે માતા બનવું, તે તેના જીવનની એક ઉત્તમ ક્ષણ હોય છે. જો કે માતા બનવા માટે પણ યોગ્ય ઉંમર હોય તે જરૂરી છે, નહીંતર તેની અસર બાળકના વિકાસ પર તેમજ માતાના સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. જો કે ગુજરાતના મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
હકીકતમાં મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં એટલે કે છેલ્લા 9 મહિનામાં કુલ 341 સગીરા સગર્ભા હોવાનું સામે આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં કરવામાં આવેલા સર્વે દરમિયાન કુલ 22,812 સગર્ભા નોંધાઈ હતી. જે પૈકી 341 સગર્ભા તો એવી હતી, જેમની વય 18 વર્ષ કરતાં પણ ઓછી છે. કાયદાકીય રીતે આ ઉંમર લગ્ન કે ગર્ભધારણ માટે યોગ્ય નથી.
આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે જોઈએ તો, 14 વર્ષની 2, 15 વર્ષ 34, 16 વર્ષની 76 અને 17 વર્ષની 229 દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. આવી જ રીતે તાલુકા પ્રમાણે જોઈએ તો, સૌથી વધુ કડી તાલુકામાં 88 સગીરા ગર્ભવતી છે. જ્યારે મહેસાણા તાલુકામાં 80 સગીરાઓ સગર્ભા છે. આ સિવાય અન્ય તાલુકાના આંકડા પર નજર નાંખીએ તો, વિજાપુરમાં 28, વિસનગરમાં 26, વડનગરમાં 24, ઊંઝામાં 20, ખેરાલુમાં 19,સતલાસણામાં 23, બેચરાજીમાં 17 અને જોટાણામાં 16 સગર્ભા દીકરીઓ નોંધાયી છે. જે સમાજ માટે ચિંતાનો વિષય છે.
