આજથી બે દિવસ વડોદરામાં પાણી કાપઃ પાણીની મુખ્ય લાઈનમાં રિપેરિંગના કારણે BPC રોડથી ગાય સર્કલ સુધીનો માર્ગ બંધ

વડોદરાના અકોટા અને લાલબાગ વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઈનમાં લીકેજ અને સમારકામને કારણે બે દિવસ પાણી પુરવઠો ખોરવાશે. આ પાણીકાપથી હજારો રહીશો પ્રભાવિત થશે અને BPC રોડથી ગાય સર્કલ સુધીનો માર્ગ પણ બંધ રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Oct 2026 12:00 AM (IST)Updated: Thu, 01 Oct 2026 12:00 AM (IST)
vadodara-news-2-day-water-supply-cut-in-several-areas-bpc-road-to-gaay-circle-closed

Vadodara Water Supply Cut: વડોદરા શહેરમાં આજથી સતત બે દિવસ માટે અનેક વિસ્તારોમાં નાગરિકોને પીવાના પાણીની ભારે સમસ્યાનો સામનો કરવો પડશે.

હકીકતમાં અકોટા વિસ્તારમાં આવેલ ગાય સર્કલ નજીક પાણીની મુખ્ય લાઈનમાં લીકેજ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત લાલબાગ પાણીની ટાંકી ખાતેથી પણ વિવિધ વિસ્તારોમાં બે દિવસ પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી હજારો રહીશો પ્રભાવિત થશે.

અકોટા પાણીની ટાંકી ખાતેથી સમારકામની કામગીરીને પગલે ગુરુવારે સાંજના સમયે પાણીનું વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. જે બાદ શુક્રવારે સવારે પણ પાણી ઓછા દબાણથી, ઓછા સમય માટે અને વિલંબથી આપવામાં આવશે. આમ અકોટા વિસ્તારના લોકોને સતત બે દિવસ સુધી પાણીના કકળાટનો સામનો કરવો પડશે.

બીજી તરફ પાણીની લાઈનના સમારકામ અર્થે 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી એટલે કે પાંચ દિવસ માટે બીપીસી રોડથી ગાય સર્કલ સુધીનો વાહનવ્યવહારનો માર્ગ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને વાહનચાલકોને મુશ્કેલીથી બચવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

વડોદરાના ક્યા-ક્યા વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે?

લાલબાગ પાણીની ટાંકી હેઠળ આવતા વિસ્તારોમાં પણ ગુરુવાર અને શુક્રવારે પાણી પુરવઠો ખોરવાશે. ગુરુવારે સાંજે જગન્નાથપુરમ અને માંજલપુર વિસ્તારમાં પાણી મળશે નહીં. જ્યારે શુક્રવારે સવારના સમયે એસઆરપી પોલીસ લાઇન, નવાપુરા, સિંધવાઈ માતા રોડ, બરોડા ડેરી અને કુંભારવાડા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

બપોરના સમયે દંતેશ્વર ઝોન તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં અને સાંજના સમયે દીપ ચેમ્બર્સ તથા તુલસીધામ, માંજલપુર વિસ્તારમાં પણ પાણી આપવાનું બંધ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લાલબાગ ટાંકી ખાતેથી બે દિવસ સુધી પાણી પુરવઠો બંધ રાખવા પાછળનું ચોક્કસ કારણ શું છે, તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. અચાનક આવેલ પાણીકાપને કારણે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.