Vadodara News:વડોદરા મહાનગરપાલિકા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કમિશનર અરુણ મહેશ બાબુએ કામગીરીમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. પાલિકાની કામગીરી અને શહેરીજનોની સુવિધાઓમાં સુધારો લાવવાના સ્પષ્ટ સંકેત આપતા કમિશનરે 16 એન્જિનિયરો સહિત અલગ-અલગ વિભાગના અધિકારીઓને નોટિસ ફટકારી છે.
તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કામગીરીમાં તાત્કાલિક સુધારો નહીં આવે તો ટર્મિનેશન (નોકરીમાંથી બરતરફ) સુધીની આકરા પગલાં લેવામાં આવશે.
કમિશનરે ખાસ કરીને શહેરમાં સફાઈ કામગીરી, ખામીયુક્ત કામો અને દબાણની સમસ્યાઓ પર ગંભીર નોંધ લીધી છે. તેમણે સામાન્ય વહીવટ વિભાગ (GAD)ના સફાઈ કર્મચારીઓની દૈનિક હાજરી અને કામગીરી પર સીધી નજર રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, સફાઈમાં નિષ્કાળજી દાખવનારા સેનિટરી ઈન્સ્પેક્ટર (SI), સુપરવાઇઝરો તેમજ જવાબદાર વોર્ડ ઓફિસરો સામે પણ નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
બેઠક દરમિયાન કમિશનર અરુણ મહેશ બાબુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,પબ્લિક સેટિસ્ફેક્શન (પ્રજાના સંતોષ) માટે અધિકારીઓએ મહેનત કરવી જ પડશે. લોકપ્રતિનિધિઓ અને શહેરીજનોની અપેક્ષાઓ પૂરી કરવી એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે." વહીવટી તંત્રમાં સુધારો લાવવા માટે કમિશનરે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેના હેઠળ બેદરકારી કરનાર સામે હવે કાર્યવાહીનો દોર સતત ચાલુ રહેશે.
રિવ્યુ બેઠકમાં કમિશનરના આ કડક રૂખ અને નોટિસોના દોરને કારણે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્રમાં શિસ્ત અને કાર્યક્ષમતા લાવવા માટે લેવાયેલા આ આકરા નિર્ણયોથી આગામી દિવસોમાં શહેરની સફાઈ અને અન્ય નાગરિક સુવિધાઓમાં મોટો સુધારો જોવા મળે તેવી શક્યતા છે.
