Ahmedabad Navratri 2026: આગામી 11 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે, ત્યારે માતાજીની આરાધનાનો આ પર્વ શાંતિપૂર્ણ મહોલમાં ઉજવાય અને ખેલૈયાઓની સુરક્ષા જળવાય તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર અશોક ગેહલોતની અધ્યક્ષતામાં આજે મહત્ત્વની સંકલન બેઠક મળી બતી. આ બેઠકમાં અમદાવાદના ગરબા આયોજકો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ પોલીસ કમિશનરની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં શહેરના 43થી વધુ ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગરબા આયોજકોને સ્થળ પર ઈમરજન્સી એક્ઝિટ, લાઈટિંગ અને વાહન પાર્કિંગને લઈને અગત્યની સૂચનાઓ આપવામાં આવી હતી.
મહિલાઓની સુરક્ષાને પ્રાથમિક્તા, ગરબા સ્થળે SHE ટીમો તૈનાત રહેશે
આ બેઠકમાં મહિલાઓ અને યુવતીઓને સુરક્ષાને પ્રાથમિક્તા આપવા માટે જરૂરી પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગ ગરબા વેન્યુ અને તેની આસપાસ છેડતીના બનાવો અટકાવવા માટે મહિલા પોલીસની SHE ટીમને ખાસ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ખાનગી સિક્યુરિટી એજન્સી અને બાઉન્સરોને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
મોડી રાતે ગરબા પૂર્ણ થતા મોટી સંખ્યામાં લોકો એકસાથે નીકળતા હોવાથી રસ્તામાં ઠેર-ઠેર ટ્રાફિક જામ, ઑવર સ્પીડિંગ અને અકસ્માતના બનાવો બનવાનું જોખમ રહે છે. આથી આવા બનાવો અટકાવવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત ટ્રાફિક પોલીસના જવાનો પણ રાતે રસ્તા પર હાજર રહેશે. આટલું જ નહીં, મોડીરાત સુધી પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.
AI આધારિત કેમેરાની મદદથી ગરબા વેન્યુ પર ભીડ કંટ્રોલમાં રખાશે
ગરબા સ્થળે ભીડ ભેગી થતી અટકાવવા માટે AI આધારિત કેમેરાની મદદ લેવાશે. જો કોઈ ગરબા વેન્યુ પર ક્ષમતા કરતાં વધુ લોકો એકઠા થશે, તો AI આધારિત CCTV કેમેરા તરત જ ઓવરક્રાઉડિંગનું એલર્ટ આપશે. જેથી તાત્કાલિક નવા લોકોનો પ્રવેશ અટકાવીને નાસભાગ જેવી સ્થિતિને ટાળી શકાશે.
આ ઉપરાંત ભૂતકાળમાં નવરાત્રી દરમિયાન ગરબામાં તોફાન મચાવનારા અસામાજિક તત્વોના ફોટા ફેસ રેકોગ્નિશન ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે. જે બાદ ગરબા સ્થળે આવા તોફાની તત્વોની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ સાથે જ તમામ આયોજકો માટે ફાયર બ્રિગેડની NOC, સ્ટ્રક્ચરલ સ્ટેલિબિલિટી સર્ટિફિકેટ, ઈલેક્ટ્રિકલ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવી છે.
