Surat: ડિલિવરી માટે નાસિકની હોસ્પિટલમાં દાખલ થયેલી સગર્ભા સગીર નીકળી, બાળકીને જન્મ આપ્યા બાદ પતિ સામે ગુનો નોંધાયો

સુરતના યુવક સાથે પરણેલી નાસિકની યુવતી ડિલિવરી માટે પિયર ગઈ હતી, જ્યાં હોસ્પિટલમાં તે સગીર હોવાનું સામે આવ્યું. નાસિક પોલીસે સગીરાના પતિ વિરુદ્ધ બાળલગ્ન અને પોક્સો હેઠળ ગુનો નોંધી કેસ સુરત ટ્રાન્સફર કર્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 30 Sep 2026 08:32 PM (IST)Updated: Wed, 30 Sep 2026 08:32 PM (IST)
surat-news-minor-girl-delivers-baby-girl-in-hospital-husband-booked-under-posco-act

Surat Minor Delivery Case: સુરતના લિંબાયત વિસ્તારના યુવક સાથે પરણેલી નાસિકની યુવતી ડિલિવરી માટે પિયર ગઈ, ત્યારે હોસ્પિટલમાં સગીર હોવાનું સામે આવતા આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ મામલે નાસિકના આંબડ પોલીસે ઝીરો નંબરથી સગીરાના પતિ વિરુદ્ધ બાળલગ્ન ધારો અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી સુરતના લિંબાયત પોલીસ મથકે ટ્રાન્સફર કર્યો છે.

લગ્નના 2 વર્ષ બાદ ગર્ભ રહી જતાં ડિલિવરી માટે પિયર નાસિક ગઈ હતી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નાસિકમાં રહેતી એક યુવતીના આજથી 2 વર્ષ અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા યુવક સાથે સમાજના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. લગ્નના બે વર્ષ બાદ યુવતીને ગર્ભ રહી જતાં તે ડિલિવરી માટે પિયર નાસિક ગઈ હતી. જ્યાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો.

માતાની ફરિયાદના આધારે દીકરીના પતિને આરોપી બનાવ્યો

આ સમયે યુવતીએ હોસ્પિટલમાં જે આધાર-પુરાવા રજૂ કર્યાં, તેના આધારે તે સગીર હોવાનો ખ્યાલ આવતા ડોક્ટરે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ મામલે નાસિક પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે બાળલગ્નધારો અને પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરીને તેના પતિને આરોબી બનાવ્યો હતો.

નાસિક પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને સુરતના લિંબાયત પોલીસ મથકે કેસ ટ્રાન્સફર કર્યો હતો. જ્યારે લગ્ન થયા, ત્યારે ભોગ બનનાર સગીર વયની હોવાની જાણ યુવક તથા બન્નેના માતા-પિતાને હતી કે કેમ, તે દિશામાં લિંબાયત પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાંથી 14 વર્ષ 11 મહિનાની સગીરા ગત 21 જૂનના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે પાણીપુરી ખાવા જવાનું કહીને ગુમ થઈ ગઈ હતી.

આ મામલે પરિવારજનોએ ચોકબજાર પોલીસ મથકમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ કરતાં વિનોદ ગાંગુડે નામનો ઇસમ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરીને લઇ ગયો હોવાનું અને તે મહારાષ્ટ્ર ખાતે હોવાનું જાણવા મળ્યું હતું.

જે બાદ પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર પહોચી હતી, જ્યાંથી આરોપી વિનોદ ઉર્ફે રોહિત બાલુ ગાંગુડે (22)ને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ મહારાષ્ટ્રના ચાલીશગાંવ જિલ્લાનો વતની છે અને તે ડ્રાઈવર તરીકે કામ કરે છે. આરોપી સામે ચોકબજાર પોલીસે પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.