Rajkot Civil Hospital Negligence: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર દર્દીઓ અને તેના સંબધીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે હોસ્પિટલ તંત્રની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે.
જેમાં રામપાર્કમાં રહેતા વૃદ્ધનું મોત નીપજતા વિદેશથી આવતી પુત્રીની રાહ માટે મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન મુંબઇના વૃદ્ધનું રાજકોટમાં મોત નીપજતા મુંબઇથી આવેલા પરિવારને રામપાર્કના વૃદ્ધનો મૃતદેહ સોંપી દીધો હતો. મુંબઇનો પરિવાર પોતાના સ્વજનના બદલે અન્ય વૃદ્ધના અગ્નિસંસ્કાર મુંબઇ ચાલ્યો ગયો હતો.
આ પણ વાંચો
જો કે બાદમાં રામપાર્કનો પરિવાર અંતિમયાત્રાની તૈયારી કરી મૃતદેહ લેવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, ત્યારે તેમના સ્વજનની મુંબઇના પરિવારે અંતિમવિધિ કરી નાખ્યાની જાણ થતાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્પિટલ તંત્રની ધોરબેદરકારીના કારણે પરિવાર પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરી શક્યો ન હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા રામપાર્કમાં રહેતા શાળા નં.56ના નિવૃત શિક્ષક હસમુખલાલ શાંતિલાલ ઠાકર (ઉ.વ.92) ગત તા.24ના રોજ પોતાના ઘરે ગબડી પડતા થાપાના ભાગે ફેકચર થયુ હતું. જેની સારવાર અર્થે હસમુખલાલ ઠાકરને દોશી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં થાપાની સારવાર બાદ હસમુખલાલ ઠાકરની તબિયત લથડતા મોત નીપજ્યુ હતું.
હસમુખલાલ ઠાકરની એકની એક પુત્રી વર્ષાબેન અમેરિકા રહેતી હોવાથી પુત્રી આવે ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવાનો પરિવારે નિર્ણય લીધો હતો અને હસમુખલાલ ઠાકરના મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે રાખવામાં આવ્યો હતો.
અમેરિકાથી પુત્રી આવી જતાં પરિવાર દ્વારા રામપાર્કમાં મૃતક હસમુખલાલ ઠાકરના ઘરે અંતિમયાત્રાની તૈયારી કરી દેવામાં આવી હતી અને પરિવાર હસમુખલાલ ઠાકરનો મૃતદેહ લેવા સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે પહોંચ્યો હતો. જો કે હસમુખલાલ ઠાકરનો મૃતદેહ કોલ્ડરૂમમાંથી મળી નહીં આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ અને પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન હસમુખભાઇ ઠાકરનો મૃતદેહ કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન મુંબઇથી રાજકોટ કેન્સરની સારવાર માટે આવેલા અને બસ સ્ટેશન પાછળ જયશ્રી ગેસ્ટહાઉસમાં રહેતા ગોપાલભાઇ ઓધવજીભાઇ ધાધડા (56)નું કેન્સરની બીમારી સબબ મોત નીપજ્યુ હતું. તેનો પરિવાર મુંબઇથી આવે ત્યા સુધી ગોપાલભાઇના મૃતદેહને પણ કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.
મુંબઇ આવેલા પરિવારને ગોપાલભાઇના બદલે હસમુખલાલ ઠાકરનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. મુંબઇના પરિવારે પોતાના સ્વજનના બદલે હસમુખભાઇ ઠાકરના મૃતદેહના રામનાથપરા સ્મશાન ખાતે અગ્નીસંસ્કાર કરી નાખ્યા હોવાનુ સામે આવતા હસમુખભાઇ ઠાકરનો પરિવાર રોષે ભારાયો હતો અને બેદરકાર તંત્ર સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો.
જો કે સમજાવટથી અંતે મામલો થાળે પડ્યો હતો અને બંને પરિવાર દ્વારા સમજૂતી કરવામાં આવી હતી. હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે રાજકોટના વૃધ્ધનું મુંબઇનો પરિવાર અંતિમ સંસ્કાર કરી પરત ચાલ્યો ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હોવાથી ચકચાર મચી જવા પામી છે.
તપાસ સમિતિ રચી બેદરકાર સામે કાર્યવાહી કરાશે : સિવિલ સર્જન
રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકાર કારીના કારણે રાજકોટના વૃદ્ધનું મુંબઇના પરિવારે અંતિમ સંસ્કાર કર્યાની ઘટના પ્રકાશમાં આવતા તંત્ર સફાળુ જાગ્યુ હોય તેમ કાર્યવાહીના આદેશ કરાયા છે.
સિવિલ સર્જન ડો.કમલેશ ડોડીયાએ જણાવ્યુ છે કે, સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ બદલાઇ ગયા બાદ મુંબઇના પરિવારે રાજકોટ વૃદ્ધના અંતિમસંસ્કાર કરી નાખ્યા છે. જે એક લાગણી અને લીગલી ગંભીર બાબત છે.
માનવીય ભૂલ સિસ્ટમની ક્ષતિ અને ગુનાહિત પ્રવૃતિનો એક ભાગ હોવાનું જણાવી ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે અને આગામી સમયમાં આવી કોઇ બેદરકારીના કારણે અન્ય ઘટના ન બને તે માટે પોસ્ટમોર્ટમ ખાતે સંકળાયેલા વિવિધ વિભાગને ધ્યાને લઇને એસઓપી તૈયાર કરવાની અને ઘટના અંગે દુ:ખની લાગણી વ્યકત કરી છે.
કોલ્ડરૂમ ખાના પર નંબર અને મૃતકના માથે સ્ટીકર ન મારવાના કારણે ઘટના ઘટ્યાનો આરોપ
સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે આવેલા કોલ્ડરૂમમાં બીનવારસુ અને પરિવારની રાહ માટે મૃતદેહો રાખવામાં આવે છે. પરંતુ કોલ્ડરૂમ ખાતે ખાનાના નંબર દર્શાવવામાં આવેલા નથી. એટલુ જ નહીં પરંતુ મૃતદેહના કપાળ ઉપર નામ લખેલા સ્ટીકર પણ લાગડવામાં આવતા નથી.
જેના કારણે મૃતદેહ બદલાઇ જતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કોલ્ડરૂમ ખાતે ખાના ઉપર નંબર અને મૃતદેહના કપાળ ઉપર નામ સાથેના સ્ટીકર લગાડવામાં આવે તો આવી ઘટના બનતી અટકી શકે છે.
-1790774378767_m.webp)