Vadodara News: વડોદરા શહેરના વોર્ડ નંબર 18 હેઠળ આવતા મકરપુરા GIDC વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના કોટાની રહેવાસી અને 19 વર્ષીય યુવતી અસ્મિતા કૈલાશ વડોદરાના મકરપુરા GIDCમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તે અચાનક ખુલ્લી વરસાદી કાંસમાં ખાબકી હતી. કાંસના ઊંડા પાણીમાં ડૂબી જવાથી અસ્મિતાનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઘટના અંગે સ્થાનિકોએ જાણ કરતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમે ભારે જહેમતપૂર્વક હાથ ધરેલા રેસ્ક્યૂ ઓપરેશનના દોઢ કલાક બાદ યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. યુવતીનો પગ લપસી જવાથી તે કાંસમાં પડી ગઈ હતી કે, અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના ઘટી, તે અંગે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
આ દુર્ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને નાગરિકોમાં વડોદરા મહાનગરપાલિકાના વહીવટીતંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક રોહિત પટેલ સહિતના લોકોએ આક્ષેપ કર્યો હતો કે વોર્ડ નંબર 18ના જવાબદાર પાલિકા અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે જ આ માસૂમ યુવતીએ જીવ ગુમાવવો પડ્યો છે.
અતિ જોખમી ગણાતી આ વરસાદી કાંસ પર સિમેન્ટના સ્લેબ કે પાટિયા મૂકીને તેને યોગ્ય રીતે ઢાંકવાની પ્રાથમિક જવાબદારી કોર્પોરેશનની હતી, પરંતુ તંત્રની આળસને કારણે કાંસ ખુલ્લી છોડી દેવામાં આવી હતી.
આ ઉપરાંત મકરપુરા GIDC વિસ્તારમાં કાંસની આસપાસ આવેલી કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે દબાણોને કારણે રસ્તા પર ચાલવાની જગ્યા પણ બચી નથી, જે પણ આ દુર્ઘટના પાછળનું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે પાલિકાના વોર્ડ ઓફિસરોની નિષ્ક્રિયતા સામે પગલાં કોણ લેશે અને એક નિર્દોષ યુવતીના મૃત્યુ માટે આખરે જવાબદાર કોણ? સમગ્ર મામલે તપાસ અને કડક કાર્યવાહીની માગણી ઉઠી રહી છે.
