Vadodara: વડોદરાના હરણી લેકઝોન ખાતે થયેલા કરુણ બોટકાંડ મામલે હવે પીડિત પરિવારો દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે કાનૂની કાર્યવાહી તેજ બની છે. શાળાએ ગેરકાયદેસર રીતે શાળા પ્રવાસનું આયોજન કરી વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂક્યાનો આક્ષેપ લગાવી 11 વાલીઓએ વડોદરાની ગ્રાહક કોર્ટમાં અલગ-અલગ ફરિયાદો દાખલ કરી છે. દરેક ફરિયાદમાં રૂ. 1 કરોડ 51 લાખના વળતરની માંગ સાથે કુલ રૂ. 16 કરોડ 61 લાખના વળતરનો દાવો કરવામાં આવ્યો છે.
વાલીઓની ફરિયાદ મુજબ, ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રતિ વિદ્યાર્થી રૂ. 750 વસૂલ કરી તા. 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી લેકઝોન ખાતે શાળા પ્રવાસનું આયોજન કરાયું હતું. જોકે આ પ્રવાસ માટે જરૂરી સરકારી મંજૂરી, સલામતી વ્યવસ્થા તથા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું વાલીઓનો આક્ષેપ છે.
આ પણ વાંચો
યોગ્ય દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા વિના વિદ્યાર્થીઓને પાણી સંબંધિત પ્રવૃત્તિમાં જોડવામાં આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અનેક પરિવારોને અપૂરણીય નુકસાન ભોગવવું પડ્યું.
મૃત્યુકાંડ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી દ્વારા શાળા સામે માત્ર રૂ. 10,000નો નજીવો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડને વાલીઓએ અપૂરતો અને ઘટનાની ગંભીરતાને અનુરૂપ ન હોવાનું ગણાવ્યું છે. વાલીઓનું કહેવું છે કે, શાળાની બેદરકારી, નિયમોના ભંગ અને વિદ્યાર્થીઓની સલામતી પ્રત્યેની ગંભીર ઉદાસીનતા આ દુર્ઘટનાનું મુખ્ય કારણ છે.
ગ્રાહક કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદોમાં વાલીઓએ દલીલ કરી છે કે, શાળા દ્વારા વસૂલવામાં આવેલી રકમના બદલામાં સુરક્ષિત અને નિયમિત સેવા આપવાની ફરજ હતી, જે નિભાવવામાં શાળા નિષ્ફળ ગઈ છે. આથી આ મામલો સેવા ખામી અને બેદરકારીનો સ્પષ્ટ દાખલો બને છે. વાલીઓએ માનસિક આઘાત, આર્થિક નુકસાન તથા સંતાનના જીવનને થયેલા નુકસાન બદલ ભારે વળતર માંગ્યું છે.
