PMSBY: વર્ષે માત્ર 20 રૂપિયામાં 2 લાખનું વીમા કવર, સરકારની આ યોજના આફત સમયે પરિવારનો આર્થિક સહારો બનશે

18 થી 70 વર્ષની વય સુધીના કોઈ પણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં પ્રીમિયમની રકમ વીમા ધારકના બેંક ખાતામાંથી ઑટો ડેબિટ થતી રહે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Jan 2026 06:24 PM (IST)Updated: Sun, 18 Jan 2026 06:24 PM (IST)
pradhan-mantri-suraksha-bima-yojana-pmsby-special-story-of-government-accident-insurance-scheme-in-india
HIGHLIGHTS
  • ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને ખાસ આ યોજના તૈયાર કરાઈ
  • વીમા ધારકનું અવસાન થાય, તો નૉમિનીને 2 લાખ રૂપિયા અપાય છે

Pradhan Mantri Suraksha Bima Yojana: કેન્દ્ર સરકાર દ્વારા અનેક એવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેનો સીધો ફાયદો સામાન્ય નાગરિકોને મળી શકે. આવી યોજનાનો મુખ્ય હેતુ કપરા સમયમાં નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. જો કે સરકારની ઘણી એવી યોજનાઓ છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

આવી જ એક સરકારી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જે ખૂબ ઓછા પ્રીમિયમમાં અકસ્માતના વીમાને કવર કરે છે. ખાસ વાત એ છે કે, આ યોજનામાં વર્ષમાં માત્ર 20 રૂપિયા જ કપાય છે, જેની સામે 2 લાખનો વીમો મળે છે. તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ…

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) ખાસ કરી એવા લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે, જેમની આવક ઓછી છે, પરંતું તેઓ પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માંગે છે.

ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાં જો કોઈ કમાણી કરનાર વ્યક્તિને અકસ્માત નડે, તો આખો પરિવાર આર્થિક ભીંસમાં મૂકાઈ જતો હોય છે. આવા પરિવારોનું આર્થિક સંકટ ઓછું કરવા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી. આ યોજનાની અંદર માત્ર 20 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ભરવાથી 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમા કવર મળે છે.

આ યોજનામાં વીમા કવર કેવી રીતે મળે?
PMSBY યોજના અંતર્ગત જો અકસ્માતમાં વીમા ધારકનું અવસાન થાય, તો તેના નૉમિનીને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. જો કોઈ અકસ્માતમાં વીમા ધારક બન્ને આંખ, હાથ કે પગ ગુમાવે તો આવી સ્થિતિમાં પણ 2 લાખ રૂપિયાનું કવર મળે છે. આવી જ રીતે જો વીમા ધારક આંશિક વિકલાંગ થઈ જાય, તો તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે.

યોજના માટે પાત્રતા અને અરજી કેવી રીતે કરવી?
2015માં શરૂ કરવામાં આવેલી આ યોજનાની મુદ્દત દર વર્ષે 1 જૂનથી 31 મે સુધીની હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિની વય 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજનામાં પ્રીમિયમની રકમ વ્યક્તિના બેંક ખાતામાંથી ઑટો ડેબિટ થકી આપોઆપ કપાઈ જાય છે. જેના કારણે દર વર્ષે પૉલિસી રીન્યૂ કરાવવાની ઝંઝટ નથી રહેતી.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં અરજી કરવા માટે ઈચ્છુક વ્યક્તિએ પોતાની નજીકની બેંકની બ્રાન્ચમાં જવું પડે છે. બેંકમાંથી જ PMSBY યોજનાનું ફોર્મ મળે છે, જેને જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ્સ સાથે જમા કરાવવાનું રહેશે. એકવાર અરજી વેરિફાઈ થઈ જાય, તે સાથે જ વીમા કવર શરૂ થઈ જાય છે.