Gujarat Academic Session 2026-27 Start: ઉનાળાના લાંબા વેકેશન બાદ આજે 8 જૂન, સોમવારથી વડોદરા શહેર અને જિલ્લા સહિત ગુજરાતભરની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થયો છે. હાલમાં પડી રહેલી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં નવો ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી રહી છે.
નવા શૈક્ષણિક સત્રને લઈને તૈયારીઓ
આ પણ વાંચો
છેલ્લા એક સપ્તાહથી વડોદરાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવા સત્રને આવકારવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. આજથી ફરી એકવાર શાળાના પરિસરો બાળકોના નિર્દોષ હાસ્ય, કલરવ અને ગુંજનથી જીવંત બની ઊઠ્યા છે.
નવા શૈક્ષણિક સત્રની તૈયારીના ભાગરુપે સુવિધાઓની ચકાસણી કરવામાં આવી. જેમાં વર્ગખંડોની સફાઈ, રંગરોગાન અને બેસવાની સુવિધા સુનિશ્ચિત કરવા ઉપરાંત, ગરમીના પ્રકોપને જોતા વિદ્યાર્થીઓ માટે ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા અને પંખાઓની ખાસ ચકાસણી કરવામાં આવી છે.
શાળાઓમાં ભૂલકાઓનું ભવ્ય સ્વાગત
આ ઉપરાંત વિદ્યાર્થીઓના ઉષ્માભર્યા સ્વાગત માટે અને ખાસ કરીને ધોરણ-1 માં પ્રથમ વખત પગ મૂકતા ભૂલકાઓ માટે આજનો દિવસ યાદગાર બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઘણી શાળાઓમાં કુમકુમ તિલક, ફૂલો અને મીઠાઈ આપીને બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને સુરક્ષા, સ્વચ્છતા અને આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવા આદેશ અપાયા છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને બાળકોના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવા અને સમયસર અભ્યાસક્રમ શરૂ કરવા પણ શાળાઓને જણાવાયું છે.
બજારોમાં સ્ટેશનરીની ધૂમ ખરીદી થઈ
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભને પગલે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરાના સ્ટેશનરી અને કાપડ બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી હતી. વાલીઓ પોતાના સંતાનો માટે નવા યુનિફોર્મ, સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બોટલ, પુસ્તકો અને નોટબુકની ખરીદી કરતા નજરે પડ્યા હતા. મોંઘવારીના માહોલ વચ્ચે પણ વાલીઓએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હોંશે-હોંશે ખરીદી પૂર્ણ કરી છે.
આ પણ વાંચો: વડોદરામાં GPSC પ્રિલિમ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ, 15 કેન્દ્રો પર 3570 ઉમેદવારો આપશે પરીક્ષા
આજથી શરૂ થતા આ નવા શૈક્ષણિક વર્ષમાં નવા મિત્રો, નવા શિક્ષકો અને નવા ક્લાસરૂમ સાથે વિદ્યાર્થીઓ પોતાના જીવનના એક નવા સોપાન તરફ આગળ વધી રહ્યા છે. ગરમીનો પારો ભલે ઊંચો હોય, પરંતુ તેની સામે બાળકોનો ભણવાનો ઉત્સાહ ઘણો વધારે જોવા મળી રહ્યો છે.
