Vadodara News: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે રવિવાર, 7 જૂનના રોજ રાજ્યભરમાં વર્ગ-1 અને વર્ગ-2ની વિવિધ જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વડોદરા શહેરના 15 જેટલા પરીક્ષા કેન્દ્રો પર કુલ 3570 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનની ચુસ્ત વ્યવસ્થાને કારણે તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ ચૂકી છે.
ભીડ ટાળવા 'વહેલા તે પહેલા'ના ધોરણે પ્રવેશ
પરીક્ષા કેન્દ્રો પર કોઈ પણ પ્રકારની અરાજકતા કે ભીડ ભાડ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. સવારથી જ જેમ-જેમ પરીક્ષાર્થીઓ કેન્દ્ર પર આવી રહ્યા હતા, તેમ-તેમ તેમનું જરૂરી ચેકિંગ કરીને અને પરીક્ષા સિવાયનું સાહિત્ય બહાર મુકાવીને તુરંત જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સુચારુ વ્યવસ્થાને કારણે કેન્દ્રોની બહાર પરીક્ષાર્થીઓની લાંબી લાઈનો કે ભીડ જોવા મળી ન હતી.
268 સરકારી જગ્યાઓ માટે મહાજંગ
આજ રોજ યોજાઈ રહેલી આ પ્રિલિમ પરીક્ષા દ્વારા રાજ્ય સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે ગુજરાત વહીવટી સેવા (વર્ગ-1) અને મુલ્કી સેવા (વર્ગ-1 અને 2) નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા (વર્ગ-2) મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારી (વર્ગ-2) હિસાબી અધિકારી (વર્ગ-1 અને 2) આ ચાર મોટી જાહેરાતો માટે રાજ્યભરના લાખો ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.
સુરક્ષાની કડક વ્યવસ્થા, હથિયારી ગાર્ડ સાથે પેપરનું વહન
પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર કચેરી દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પેપર લીક જેવી ઘટનાઓ રોકવા માટે સંવેદનશીલ રૂટ પર હથિયારી પોલીસ ગાર્ડના ચુસ્ત બંદોબસ્ત સાથે પ્રશ્નપત્રો કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. વડોદરાના તમામ 1૫ કેન્દ્રો પર ઝોનલ અધિકારીઓ, આયોગના ખાસ પ્રતિનિધિઓ અને CCTV સુપરવાઇઝરોની બાજ નજર હેઠળ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે.
સમય પૂર્ણ થતાં પોલીસે ઉમેદવારોને પ્રવેશવા કરી અપીલ
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાનો સત્તાવાર સમય પૂર્ણ થવા આવ્યો ત્યારે પણ વહીવટી તંત્ર અને પોલીસ સક્રિય જોવા મળી હતી. સમય મર્યાદા સમાપ્ત થવાની અંતિમ ક્ષણોમાં કેન્દ્રની બહાર રહી ગયેલા કે મૂંઝવણમાં રહેલા વિદ્યાર્થીઓને પોલીસે જાતે આગળ આવીને ત્વરિત પ્રવેશ મેળવી લેવા માટે સૂચન અને મદદ કરી હતી, જેથી કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત ન રહી જાય.
