ઉત્તરાયણને લઈને વડોદરામાં સુરક્ષાની કવાયત: 17 ઓવરબ્રિજ પર GI કેબલ, નાગરિકોને કરી આ અપીલ

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ચગાવતી વખતે નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 31 Dec 2025 08:38 AM (IST)Updated: Wed 31 Dec 2025 08:38 AM (IST)
vadodara-municipality-installed-gi-cables-on-17-overbridges-for-citizens-safety-in-uttarayan-665055
HIGHLIGHTS
  • જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ વડોદરા મનપા  
  • ઉત્તરાયણને લઈને જાહેર જનતા જોગ ખાસ અપીલ કરી
  • 17 ઓવરબ્રિજ પર પોલ વચ્ચે GI કેબલ બાંધવામાં આવ્યા

Makar Sankranti 2026: આગામી 14 અને 15 જાન્યુઆરીએ ઉજવાતા ઉત્તરાયણના પતંગોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પતંગની દોરીથી થતા અકસ્માતો અટકાવવા તેમજ વાહનચાલકો અને પગપાળા રાહદારીઓની સલામતી જાળવવા માટે વિવિધ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

મકરસંક્રાંતિને લઈને વડોદરા મનપાની ખાસ કવાયત

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ (Uttarayana) વડોદરાની આગવી ઓળખ ધરાવતો લોકોત્સવ છે. ઉત્સવ દરમિયાન નાગરિકોની સલામતી મહાનગરપાલિકાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ઉત્તરાયણ દરમિયાન શહેરમાં વધતા ટ્રાફિક, ભીડ અને પતંગની દોરીથી થતી ઇજાઓને ધ્યાનમાં રાખીને પૂર્વ આયોજન સાથે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

17 ઓવરબ્રિજ પર GI કેબલ બાંધવામાં આવ્યા

શહેરના કુલ 17 ઓવરબ્રિજ પર સ્ટ્રીટલાઈટના પોલ વચ્ચે GI કેબલ બાંધવામાં આવ્યા છે, જેથી ઉડતી પતંગો કે તેની દોરીથી રાહદારીઓ અને વાહનચાલકોને ઇજા ન થાય. આ સુરક્ષા વ્યવસ્થા અમિતનગર, ઊર્મિ, લાલબાગ, છાણી, પંડ્યા હોટલ, અટલ, કલાલી, દિનેશ મિલ, અકોટા દાંડિયા બજાર, નવાયાર્ડ, વિશ્વામિત્રી, હરિનગર, વડસર, સોમા તળાવ, પ્રતાપનગર તેમજ ન્યૂ માંજલપુર બ્રિજ પર અમલમાં મુકવામાં આવી છે. આ કામગીરી માટે મહાનગરપાલિકાએ અંદાજે રૂ. 95 હજારનો ખર્ચ કર્યો છે.

જાહેર જનતા જોગ ખાસ અપીલ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે પતંગ ચગાવતી વખતે નાયલોન અથવા ચાઇનીઝ દોરી (Chinese led) નો ઉપયોગ ન કરે, કારણ કે તે માનવ અને પશુઓ બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વાહન ચલાવતા સમયે હેલ્મેટ (helmet) તથા અન્ય સલામતી સાધનો પહેરવા અને બાળકોને ખુલ્લા રસ્તા કે બ્રિજ પર પતંગ ચગાવવાની મંજૂરી ન આપવી.

પતંગોત્સવને સુરક્ષિત અને આનંદમય બનાવીએ

કોઈપણ પ્રકારની ઈજા અથવા અકસ્માતની સ્થિતિમાં તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવા મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે. નાગરિકોના સહકારથી ઉત્તરાયણ પતંગોત્સવને સુરક્ષિત, શિસ્તબદ્ધ અને આનંદમય બનાવવાની પ્રતિબદ્ધતા મહાનગરપાલિકાએ વ્યક્ત કરી છે.