Vadodara: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ખુલ્લા ગટર મેનહોલમાં પડી જતા યુવકનું અપમૃત્યુ થયાનો મામલો આખરે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. આ મામલે મૃતકની પત્ની માધવી ઝાલાએ માંજલપુર પોલીસ મથકે ઈકો ફેસિલેટેડ મેનેજમેન્ટ સર્વિસ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ ઘટનાના દિવસે ફરિયાદીના પતિ વિપુલસિંહ પસાર થઈ રહ્યા હતા, ત્યારે ખુલ્લી ગટરના મેન હોલમાં પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ગુંગળાઈને મોતને ભેટ્યા હતા. આ સમયે મેન હોલની આસપાસ કોઈ ચેતવણીનું બોર્ડ કે બેરિકેડ લગાવવામાં ના આવ્યું હોવાના કારણે અકસ્માત થયો હતો.
પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર અને ડ્રેનેજ સંબંધિત કામગીરી માટે ઇકો ફેસિલેટેડ મેનેજમેન્ટ સર્વિસીઝ નામની ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપની દ્વારા મેનહોલ ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા તથા બેરિકેડિંગ ન કરાતા ગંભીર બેદરકારી સામે આવી છે. આ બેદરકારીના કારણે જ યુવકનું મોત થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ઇકો ફેસિલેટેડ મેનેજમેન્ટ સર્વિસીઝ કંપનીના સંચાલકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. સાથે સાથે અન્ય જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.
આ મામલે વડોદરા શહેર પોલીસ ઝોન-3ના ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, જો તપાસમાં અન્ય સરકારી કર્મચારીઓની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
