Manjalpur sewerage disaster: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગટર મેનહોલમાં પડી જવાથી થયેલા યુવકના મોતના કેસમાં વડોદરા મહાનગરપાલિકાએ ઇજારદાર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને ગંભીર બેદરકારીનું પરિણામ ગણાવી પાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, 'જાહેર સલામતીમાં ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં.'
શું બન્યું રવિવારની રાત્રે?
ગત રવિવારના રાત્રીના વિપુલસિંહ ઝાલા રોજીંદા કામકાજ માટે ઘરની બહાર નીકળ્યા હતા. દરમિયાન માર્ગ પર આવેલું ગટરનું મેનહોલ ખુલ્લું હોવાને કારણે તેઓ અચાનક તેમાં પડી ગયા હતા. મેનહોલ આસપાસ કોઈ ચેતવણી સૂચક બોર્ડ, બેરિકેડ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ખુલ્લી ગટરની જાળવણીમાં ગંભીર ખામી
ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી તાત્કાલિક વિપુલસિંહને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે વડોદરા મહાનગરપાલિકાની પ્રાથમિક તપાસમાં ખુલ્લી ગટર મેનહોલની જાળવણીમાં ગંભીર ખામીઓ સામે આવી હતી.
કામગીરી સંભાળતા ઇજારદારને બ્લેકલિસ્ટ કર્યા
આ બેદરકારી બદલ ગટર અને પાણી પુરવઠા સંબંધિત કામગીરી સંભાળતા ઇજારદાર ‘ઈકોફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસ’ને વડોદરા મહાનગરપાલિકાએ બ્લેકલિસ્ટ કરી દીધી છે. આ પગલાંથી હવે આ ઇજારદારને ભવિષ્યમાં કોઈ પણ પાલિકા ટેન્ડર અથવા કામગીરીમાં ભાગ લેવા પર પ્રતિબંધ રહેશે.
આ ઉપરાંત પાલિકાએ કાયદેસરની કાર્યવાહી પણ આગળ ધપાવી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા દોષિત ઇજારદાર રાહુલ શર્મા વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે. આ અરજીના આધારે પોલીસ તપાસ શરૂ કરે તેવી શક્યતા છે, જેથી બેદરકારી બદલ ફોજદારી જવાબદારી પણ નક્કી થઈ શકે.

આસિ. એન્જિનિયર સસ્પેન્ડ, નાયબ ઇજનેરને શોકોઝ નોટિસ
માત્ર ઇજારદાર નહીં, પરંતુ આંતરિક જવાબદારી નક્કી કરવા માટે પાલિકાના અધિકારીઓ સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. પાણી પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર અતુલ ગણેશ ભલાગામિયાંને ગંભીર બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર કામગીરીની દેખરેખ રાખનાર નાયબ કાર્યપાલક ઇજનેર હરિકૃષ્ણ લાલજી મીનાનીને શોકોઝ નોટિસ ફટકારી તેમની પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.
ગટર મેનહોલની સમીક્ષા કરવા ખાસ અભિયાન
વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે, 'આ કાર્યવાહી માત્ર પ્રાથમિક પગલું છે. તપાસ પૂર્ણ થયા બાદ જો વધુ અધિકારીઓ કે કર્મચારીઓની બેદરકારી સામે આવે તો તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવશે. સાથે જ શહેરભરમાં ગટર મેનહોલની સ્થિતિની સમીક્ષા કરવા ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે.'
