Vadodara: વડોદરામાં સાયબર ઠગો દ્વારા પોતાને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા બાદ માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે સાયબર ગુનાઓ સામે કડક કાયદા બનાવવા નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રજૂઆત કરી છે.
પોતાના પત્રમાં યોગેશ પટેલે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં રસ્તા અને લારીઓ પર બિનઅધિકૃત રીતે વેચાતા સિમકાર્ડ બંધ કરાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.
યોગેશ પટેલે જણાવ્યું છે કે, રોડ પર અને અસ્થાયી લારીઓ પર મળતા સિમકાર્ડ સાયબર ફ્રોડ માટે મુખ્ય સાધન બની રહ્યા છે. આવા સિમકાર્ડ મારફતે સાયબર માફિયા નિર્દોષ નાગરિકોને ડરાવી, ધમકાવી અને છેતરપિંડી કરી રહ્યા છે. આથી રાજ્યમાં માત્ર ઓથોરાઇઝ્ડ ડીલર જ સિમકાર્ડ વેચી શકે તેવી કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવી જરૂરી હોવાનું તેમણે પત્રમાં ઉલ્લેખ્યું છે.
વધુમાં રજૂઆત કરી છે કે સિમકાર્ડ આપતી વખતે માત્ર આધાર કે દસ્તાવેજ પૂરતા નથી. સિમકાર્ડ લેનાર વ્યક્તિની સાથે બે સાક્ષીઓના ઓળખપત્ર અને બાયોમેટ્રિક પુરાવા ફરજિયાત લેવામાં આવે તો ખોટી ઓળખ પર લેવાતા સિમકાર્ડ પર અંકુશ આવી શકે. આ મુદ્દે વિધાનસભામાં પણ અલગથી કાયદો બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 28 ડિસેમ્બરના રોજ યોગેશ પટેલને એક અજાણ્યો ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ પોતે મુંબઈ પોલીસમાંથી બોલતો હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ધારાસભ્યએ તરત જ શંકા વ્યક્ત કરી વળતો સવાલ પૂછતા સાયબર ઠગોએ ફોન કાપી નાખ્યો હતો. આ ઘટના બાદ યોગેશ પટેલે સાયબર ગુનાઓ સામે કડક કાયદા અને સિમકાર્ડ વેચાણની પ્રક્રિયામાં સુધારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
