Vadodara: વડોદરા વોર્ડ-8ના કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલાબેન ચૂંટણી નહીં લડે, સસરાના નિધન બાદ સામાજિક પરંપરા જાળવવા લીધો નિર્ણય

13 દિવસ સુધી શોક પાળવાના કારણે પ્રચારમાં ના જઈ શકતાં પક્ષને નુકસાન તેમ હોવાથી ઉમેદવારે પરત ખેંચવાનો નિર્ણય લીધો અને પોતાની જગ્યાએ અન્ય મહિલાને ટિકિટ આપવા વિનંતી કરી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Apr 2026 08:47 PM (IST)Updated: Tue, 07 Apr 2026 08:48 PM (IST)
vadodara-municipal-election-congress-candidate-urmilaben-parmar-withdraws-from-ward-8
HIGHLIGHTS
  • કોંગ્રેસ દ્વારા બે દિવસ પહેલા જ વોર્ડ 8 માટે ઉર્મિલાબેન પરમારના નામની જાહેરાત કરી હતી

Vadodara: વડોદરા મહાનગર પાલિકાની આગામી ચૂંટણીના ગરમાતા માહોલ વચ્ચે વોર્ડ નંબર 8માં કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયેલા ઉર્મિલાબેન પરમારે પારિવારિક શોક અને સામાજિક મર્યાદાને પ્રાધાન્ય આપીને ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

ટિકિટની જાહેરાત સાથે જ આવી દુઃખદ ક્ષણ

પ્રદેશ કોંગ્રેસે બે દિવસ પહેલા જ વોર્ડ નંબર 8 માટે ઉમેદવાર તરીકે ઉર્મિલાબેન પરમારના નામની જાહેરાત કરી હતી. જો કે, આ જાહેરાતના માંડ બે કલાક પૂર્વે જ તેમના સસરાનું દુઃખદ અવસાન થયું હતું.

પરિવારમાં આવેલા આ અચાનક સંકટને પગલે સમગ્ર વિસ્તારના કોંગ્રેસ કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉમેદવારીની જાહેરાત છતાં, પરિસ્થિતિની ગંભીરતા સમજીને કોંગ્રેસ પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવા કે ઢોલ-નગારા વગાડવા જેવી ઉજવણી કરવામાં આવી નહોતી અને તમામ કાર્યકર્તાઓ શોકમાં સહભાગી થયા હતા.

સમાજની પરંપરા અને નૈતિકતાનું પાલન
ક્ષત્રિય સમાજમાંથી આવતા ઉર્મિલાબેને જણાવ્યું કે, સમાજની રૂઢિચુસ્ત પરંપરા મુજબ સસરાના નિધન બાદ આગામી 13 દિવસ સુધી તેઓ ઘરની મર્યાદા બહાર નીકળી શકે તેમ નથી. ચૂંટણીના પ્રચાર માટે આ 13 દિવસ અત્યંત મહત્વના હોય છે, ત્યારે પ્રચારમાં ન જઈ શકવાના કારણે પક્ષને નુકસાન ન થાય તે હેતુથી તેમણે ઉમેદવારી ન નોંધાવવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે.