Vadodara: સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ VMCની મોટી કાર્યવાહી, માણેજાની 'વૉલ્ટેમ્પ' કંપની સીલ, રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો

વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન હેઠળ માણેજાની વોલ્ટેમ્પ કંપનીને કચરા નિકાલમાં બેદરકારી બદલ સીલ કરી રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનારા સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેમાં દુકાનદારો અને વેપારીઓ પણ સામેલ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 25 Sep 2026 07:05 PM (IST)Updated: Fri, 25 Sep 2026 07:05 PM (IST)
vadodara-municipal-corporation-seals-voltamp-transformers-in-maneja-imposes-rs-1-lakh-fine

Vadodara: વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સ્વચ્છતાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા એકમો સામે પાલિકાના આરોગ્ય અને દબાણ શાખા વિભાગે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવીને કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે શહેરના માણેજા વિસ્તારમાં આવેલી જાણીતી 'વોલ્ટેમ્પ' કંપનીને સીલ મારી દેવામાં આવ્યું છે.

કચરા નિકાલમાં ઘોર બેદરકારી દાખવતા કાર્યવાહી

માણેજા ખાતે આવેલી વોલ્ટેમ્પ કંપની દ્વારા પોતાના પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હતી. કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાનું પાલિકાની ટીમની તપાસ દરમિયાન સામે આવ્યું હતું.

જેને પગલે VMC દ્વારા તાત્કાલિક ધોરણે કંપનીને સીલ કરી દેવામાં આવી હતી અને સ્વચ્છતા ભંગ બદલ રૂ. 1 લાખ (એક લાખ)નો ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સામે આટલી મોટી રકમનો દંડ અને સીલિંગની કાર્યવાહીથી ઔદ્યોગિક વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દુકાનદારો અને વેપારીઓ સામે પણ દંડાત્મક પગલાં

માત્ર મોટી કંપની જ નહીં, પરંતુ શહેરમાં ઠેર-ઠેર જાહેરમાં કચરો ફેંકનારા, ગંદકી ફેલાવનારા અને સ્વચ્છતાના ધોરણો ન જાળવનારા વેપારીઓ તેમજ દુકાનદારો સામે પણ મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને અનેક દુકાનો અને વાણિજ્યિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી ચાલુ રહેશે

VMCના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, શહેરની સ્વચ્છતા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. રહેણાંક હોય કે ઔદ્યોગિક વિસ્તાર, જો બેદરકારી દાખવવામાં આવશે તો ભવિષ્યમાં પણ આવી જ રીતે સીલિંગ અને કડક દંડ સહિતની કાર્યવાહી ચાલુ રહેશે.

પાલિકાની આ ઝીરો ટોલરન્સ નીતિ અને સઘન ઝુંબેશથી કાયદાનો અનાદર કરનારા તત્વો અને બેદરકાર એકમોમાં ભારે દોડધામ મચી ગઈ છે.