Vadodara: ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં જમવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવી હત્યા કરી હતી. જે બાદ પોતાના ગુના પર પડદો પાડવા લાશને ગામના તળાવમાં ફેંકી દીધી હતી. ડભોઈ પોલીસે સમગ્ર કેસનો પર્દાફાશ કરી હત્યારા ભાઈની ધરપકડ કરી લીધી છે.
ગત 23 સપ્ટેમ્બરના રોજ સાઠોદ ગામના તળાવમાંથી હાથ-પગ દોરીથી બાંધેલી હાલતમાં એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોએ આ અંગે ડભોઈ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં ગળાના ભાગે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી.
હત્યાનો ભેદ ઉકેલવા માટે LCB, SOG અને સ્થાનિક પોલીસ સહિતની આઠ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી મૃતકની ઓળખ ગુરુશરણ ઉર્ફે ભીમો તડવી તરીકે થઈ હતી. પોલીસે મૃતકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ઘરમાં અવારનવાર કંકાસ થતો હતો. જેથી પોલીસે મૃતકના ભાઈ મહેશ તડવી અને ભાભીની કડક પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની કડકાઈ સામે ભાંગી પડેલા ભાઈ મહેશ તડવીએ પોતાની કબૂલાત આપતાં જણાવ્યું કે, મૃતક ગુરુશરણ અણપરિણિત હોવાથી તેમની સાથે જ રહેતો હતો. તે અવારનવાર જમવા બાબતે ભાઈ-ભાભી સાથે ઝઘડો કરતો હતો. ઘટનાના દિવસે પણ જમવા બાબતે ઉગ્ર ઝઘડો થતાં અદાવતમાં મહેશે ગુરુશરણનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
આજુબાજુના લોકોને જાણ ન થાય તે માટે આરોપીએ રાતના અંધારા સુધી રાહ જોઈ હતી. જે બાદ મૃતદેહ પાણીની બહાર ન આવે તે માટે તેના હાથ-પગ દોરીથી બાંધી દીધા હતા અને ઘરથી માત્ર 100 મીટર દૂર આવેલા તળાવમાં લાશ ફેંકી દીધી હતી.
હાલ ડભોઈ પોલીસે સાઠોદ ગામની નવીનગરીમાં રહેતા આરોપી મહેશ તડવીની ધરપકડ કરી તેને જેલભવાલે કર્યો છે. આગળની તપાસમાં પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કરશે તેમજ ૧૦૦ મીટર દૂર મૃતદેહ લઈ જવામાં અન્ય કોઈની મદદ લેવાઈ હતી કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.
