'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..!'- ભુજથી બિહારના બરૌની વચ્ચે આધુનિક 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેન દોડશે, જાણો સંપૂર્ણ રૂટ અને સમય પત્રક

ભારતીય રેલવેએ ગુજરાતના ભુજ અને બિહારના બરૌની વચ્ચે નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેનને મંજૂરી આપી છે. આ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ દોડશે, જે પશ્ચિમ અને પૂર્વ ભારતને જોડશે અને ચાર રાજ્યોના મુસાફરોને લાભ આપશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 25 Sep 2026 06:23 PM (IST)Updated: Fri, 25 Sep 2026 06:23 PM (IST)
bhuj-to-barauni-amrit-bharat-express-route-timing-and-stoppages-covered

Bhuj Barauni Amrit Bharat Express: ગુજરાતના અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં કામકાજ અર્થે વસવાટ કરતા બિહાર અને ઉત્તર પ્રદેશના વતનીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ભારતીય રેલવેએ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ અને બિહારના બરૌની વચ્ચે નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેન ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

સપ્તાહમાં 3 દિવસ દોડતી ટ્રેન પૂર્વ અને પશ્ચિમ ભારતને જોડશે

ભારતીય રેલવે દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેનનો નંબર 19427 અને 19428 રાખવામાં આવ્યો છે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે, જે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક મુખ્ય શહેરોને જોડશે. લગભગ 2532 કિલોમીટરનું અંતર કાપતી આ ટ્રેનથી પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચેની રેલ કનેક્ટિવિટી સુધશે. આ સાથે જ મુસાફરોને લાંબા અંતરની સફર માટે વધુ એક વિકલ્પ મળી રહેશે.

ટ્રેન નંબર 19427 ભુજ-બરૌની અમૃત એક્સપ્રેસ ટ્રેન ભુજ રેલવે સ્ટેશનથી સાંજે સાડા 5 કલાકે રવાના થશે અને બીજા દિવસે સવારે 4:05 કલાકે બરૌની પહોંચાડશે. જ્યારે રિટર્નમાં ટ્રેન નંબર 19428 બરૌની-ભુજ અમૃત ભારત એક્સપ્રેસ રાતે 11:55 કલાકે બરૌની સ્ટેશનથી ઉપડશે, જે બીજા દિવસે બપોરે 1:15 કલાકે ભુજ પહોંચાડશે.

ભુજથી બરૌની જતી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 19427 અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે સોમવાર, બુધવાર અને શનિવારે ઉપડશે. જ્યારે બરૌનીથી ભુજ જતી ટ્રેન નંબર 19428 મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉપડશે. જો કે ટ્રેન ક્યારથી શરૂ થશે, તેને લઈને હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

ક્યા રૂટ પરથી ટ્રેન પસાર થશે અને ક્યા સ્ટેશન પર ઉભી રહેશે

નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક મુખ્ય રેલવે સ્ટેશનો પર થોભશે. જેમાં ગુજરાતના સામખિયાળી, અમદાવાદ ઉપરાંત રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, હાથરસ, બરેલી, ઈજ્જતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિવાન, છપરા, હાજીપુર, મુજ્જફ્ફરપુર અને સમસ્તીપુર જેવા સ્ટેશન પર ઉભી રહેશે.

ચાર રાજ્યોના મુસાફરોને ફાયદો

ભુજ અને બરૌની વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ શરૂ થવાથી પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચે રેલ કનેક્ટિવિટી સુધરશે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરોને સૌથી વધુ લાભ મળશે. નવી અમૃત ભારત એક્સપ્રેસથી આ ચાર રાજ્યોના મુખ્ય શહેરો વચ્ચે અવરજવર સરળ બનવામાં મદદ મળશે.