GMC Election 2026: ગાંધીનગર મનપા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, 8 વોર્ડના 31 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 8 વોર્ડના 31 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. જો કે 3 વોર્ડના 12 ઉમેદવારોના નામ બાકી રાખ્યા છે. જ્યારે કોંગ્રેસે પણ અલગ-અલગ વોર્ડના 19 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 25 Sep 2026 05:34 PM (IST)Updated: Fri, 25 Sep 2026 05:34 PM (IST)
gandhinagar-gmc-election-2026-bjp-release-first-candidate-lists-ahead-of-civic-polls

Gandhinagar GMC Election 2026: ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો 26 સપ્ટેમ્બર, 2026ના શનિવારના રોજ છેલ્લો દિવસ છે, ત્યારે તમામ પાર્ટીઓ વારાફરતી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. જે અંતર્ગત આજે ભાજપ દ્વારા એકસાથે 8 વોર્ડની 32 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

ભાજપના ઉમેદવારોની યાદી જોઈએ તો, વોર્ડ નંબર- 1ની ચાર બેઠકો પર શિલ્પાબેન ઠાકોર, અંજના સુરેશ મહેતા, ગૌરાંગ પટેલ અને મહેશકુમાર ચૌધરી (મેટ્રો)ને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર-3ની ચાર બેઠકો પર મિત્તલબેન ખિમસુરિયા, સોનાલીબેન પટેલ, અંકિત બારોટ, ઉમેશ જહા, વોર્ડ નંબર 5ની ચાર બેઠકો પર હેમાબેન ભટ્ટ, ધ્વનિ શાહ,કનૈયાલાલ દેસાઈ અને કિંજલકુમાર પટેલને ઉતારવામાં આવ્યા છે.

આવી જ રીતે વોર્ડ નંબર 9ની ચાર બેઠકો પર શારદાબેન ઠાકોર, વૈદેહી રાવલ, જયંતિ ડાભી અને મહેન્દ્ર પટેલ ઉપરાંત 10ની ચાર બેઠકો પર તન્વી પટેલ, વિલાસબા વાઘેલા, ધર્મેન્દ્રકુમાર નાયી અને ગૌરાંગ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જો કે ભાજપ દ્વારા વોર્ડ નંબર 2, 4 અને 6ના 12 ઉમેદવારોના નામ હજુ જાહેર નથી કર્યાં.


વોર્ડ નંબર 1માં કોંગ્રેસે ભાજપમાંથી આવેલા નંદુ પટેલને ઉમેદવાર બનાવ્યા

અગાઉ કોંગ્રેસ દ્વારા પણ અલગ-અલગ વોર્ડના 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી વોર્ડ નંબર 1માં રાંધેજામાં રહેતા નંદુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, નંદુભાઈ પટેલ અગાઉ ભાજપની ટિકિટ પર ચૂંટાઈને ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બન્યા હતા. જો કે ગત ટર્મમાં ભાજપે ટિકિટ ના ફાળવતા તેમણે અપક્ષ પેનલ ઉતારી હતી. જો કે આ વખતે કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂકીને મનપા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપના 3 વોર્ડ સિવાય કોંગ્રેસના પણ 6 વોર્ડમાં ઉમેદવારોના નામ સામે આવવાના બાકી છે. અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા 29 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. જે બાદ આજે કોંગ્રેસ દ્વારા પણ પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવતા ભાજપ પર દબાણ વધી ગયું હતુ.