VMC Dress Code: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શિસ્ત, એકરૂપતા અને વહીવટી પારદર્શિતા વધારવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કોર્પોરેશનના વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓ માટે હવે ફરજિયાત ડ્રેસ કોડ અમલી બનાવવામાં આવ્યો છે, જેનાથી તેમની એક નવી અને આગવી ઓળખ ઊભી થશે.
આજે યોજાયેલા ખાસ કાર્યક્રમ દરમિયાન આ મહત્વપૂર્ણ પહલની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને ખાસ ગણવેશ માટેના કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલિકા તંત્રના આ નિર્ણયથી અંદાજે 4,000 જેટલા કર્મચારીઓ આવરી લેવાશે. હવે આ તમામ કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન નિયત કરવામાં આવેલો ડ્રેસ પહેરવો ફરજિયાત રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કમિશનર સહિત વર્ગ 1 અને વર્ગ 2ના ઉચ્ચ અધિકારીઓ માટે અગાઉથી જ ડ્રેસ કોડ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. આ સફળ અમલીકરણ બાદ હવે વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને પણ તેમાં આવરી લેવાયા છે, જેનાથી સમગ્ર કોર્પોરેશન તંત્રમાં સમાનતા અને વ્યાવસાયિકતા નો અનુભવ થશે.
કામગીરીમાં પારદર્શિતા અને નાગરિકોને સરળતા
કોર્પોરેશન કચેરી ખાતે દરરોજ હજારો નાગરિકો પોતાના વિવિધ કામકાજ અને રજૂઆતો માટે આવતા હોય છે. ઘણીવાર કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો વચ્ચે ભેદ પારખવો મુશ્કેલ બની જતો હતો. પરંતુ હવે તમામ કર્મચારીઓ ગણવેશમાં હોવાથી અરજદારો સરળતાથી સંબંધિત વર્ગના કર્મચારીને ઓળખી શકશે અને તેમને રજૂઆત કરવામાં સરળતા રહેશે. પાલિકા તંત્રના આ નિર્ણયથી કર્મચારીઓમાં શિસ્ત અને એકતાની ભાવના મજબૂત થશે, તેમજ વડોદરા કોર્પોરેશનની છબી વધુ સુદ્રઢ બનશે.
