સુરતમાં આરોગ્ય વિભાગ અને SOGનો સપાટોઃ પાંડેસરામાં ડિગ્રી વગર લોકોના જીવ સાથે ચેડાં કરતા 16 બોગસ ડોક્ટરો ઝડપાયા

સુરતના પાંડેસરા વિસ્તારમાં SOG પોલીસ અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને 16 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. આ ડોકટરો કોઈપણ માન્ય ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા, જેમાંથી રૂ. 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 Oct 2026 10:59 PM (IST)Updated: Tue, 13 Oct 2026 10:59 PM (IST)
surat-news-16-fake-doctors-arrested-in-pandesara-by-sog-and-health-dept

Surat: સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કોઈપણ જાતની માન્ય તબીબી ડિગ્રી કે બોગસ ડિગ્રીના આધારે ક્લિનિકો ખોલીને લોકોના જીવ સાથે રમત રમતા 16 બોગસ તબીબોને SOG પોલીસ અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડીને ઝડપી પાડ્યા છે

ડમી પેશન્ટ મોકલીને SOG પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નકલી ડોક્ટરો દ્વારા થતી બિનઅધિકૃત સારવારથી લોકોના જીવ જોખમાતા હોવાની બાબતને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે SOG પોલીસ અને મનપાના આરોગ્ય વિભાગની ટીમે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવતા હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે પહેલા ડમી પેશન્ટ મોકલીને સંપૂર્ણ ખાતરી કરી હતી. જે બાદ અલગ-અલગ ટીમો બનાવીને તમામ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

કોઈ માત્ર ધોરણ 10-12 પાસ, તો કોઈ માત્ર પુસ્તકો વાંચીને 'ડોક્ટર' બની બેઠો!

પોલીસના હાથે ઝડપાયેલા બોગસ ડોક્ટરોની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં મોટાભાગના આરોપીઓ માત્ર ધોરણ 10 કે 12 પાસ છે અથવા ભૂતકાળમાં કમ્પાઉન્ડર/હેલ્પર તરીકે કામ કરી ચૂકેલા છે.

ભેસ્તાનમાં રહેતો કપિલકુમાર વર્મા (58) 'ફ્રી સેવા સદન' નામે ક્લિનિક ચલાવતો હતો. જે માત્ર ધોરણ 10 પાસ છે અને તેણે માત્ર પુસ્તકો વાંચીને ડોક્ટર બનવાનું શીખ્યા હોવાનો દાવો કર્યો છે. કપિલકુમાર દરરોજના 30 થી 35 દર્દી તપાસી રોજના રૂ 30 હજારથી વધુ કમાતો હતો.

આવી જ રીતે પાંડેસરાના ગણેશનગરમાં 12 વર્ષથી ભારત ક્લિનિક ચલાવતો મહેન્દ્રસિંઘ યાદવ અગાઉ બિહારમાં ડો. વિજયકુમાર ગુપ્તાની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે 5 વર્ષ સુધી કામ કરી ચૂક્યો છે. જે પોતાના ક્લિનિકમાં દરરોજ 20થી વધુ પેશન્ટને તપાસીને દરરોજના બે થી અઢી હજાર કમાતો હોવાનું સામે આવ્યું છે.

અન્ય ક્યા-ક્યા બોગસ તબીબો ઝડપાયા

શિયારામ વસંતુરામ મોર્યા (સાંઈ ધામ ક્લિનિક - 24 વર્ષથી પ્રેક્ટિસ),
વિનોદભાઈ ગુરુદાસ વિશ્વાસ (ચાન્સી ક્લિનિક - ૩૦ વર્ષથી પ્રેક્ટિસ)
સદામ શકુર બનખાન (નીર ક્લિનિક)
સત્યેન્દ્ર યાદવ (નારાયણ ક્લિનિક)
સુરેન્દ્રપ્રસાદ મહેતા (મહેતા ક્લિનિક)
સુનીતકુમાર વિશ્વાસ (સુરેન્દ્ર ક્લિનિક)
પલાશ ભક્તા (રાધા ક્લિનિક)
મહેશ્વર વિશ્વાસ (સાંઈ ક્લિનિક)
પરિતોષ રોય (પ્રોબીર ક્લિનિક)
આલોકસિંગ (નવદીપ ક્લિનિક)
અજીતકુમાર (પ્રતિમા ક્લિનિક)
સંજીતકુમાર સિંગ (શ્રી ક્રિષ્ણા ક્લિનિક)
જીતેન્દ્ર વર્મા (ગુરુકૃપા ક્લિનિક)
 

રૂ. 1.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ દરોડા દરમિયાન 16 ક્લિનિકોમાંથી જુદી-જુદી એલોપેથિક દવાઓ, ઇંજેક્શનો, બોટલો/સીરપ અને મેડિકલ સાધનો મળીને કુલ રૂ. 1,82,444ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ આ તમામ આરોપીઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ બોગસ ડોક્ટરો વિરુદ્ધ 'ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ' હેઠળ પણ અલાયદી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે