Vadodara: સમામાં કપિરાજનો આતંકઃ વૃદ્ધા પર હુમલો કરીને લોહીલુહાણ કરી નાંખ્યા, શરીરે 20થી વધુ ટાંકા આવ્યા

વડોદરાના સમા વિસ્તારમાં વાંદરાઓનો આતંક વધી ગયો છે. તાજેતરમાં જ એક વૃદ્ધા પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી નાંખ્યા હતા, જેમને સારવાર અર્થે લઈ જવામાં આવતા તબીબોએ શરીર પર 20થી વધુ ટાંકા લીધા હતા. વાંદરાઓના ઝૂંડ દ્વારા એક પછી એક લોકો પર હુમલો કરતાં સ્થાનિક રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 24 Sep 2026 03:44 PM (IST)Updated: Thu, 24 Sep 2026 03:44 PM (IST)
vadodara-monkey-attack-elderly-woman-hospitalized-with-20-stitches-in-sama-area

Vadodara Monkey Attack: શહેરના સમા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓનો આતંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સમા વિસ્તારમાં આવેલા કદમનગર અને રામનગર ખાતે કપિરાજના ઉપદ્રવથી સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટનામાં કદમનગર અને રામનગર વિસ્તારમાં રહેતા મંજુલાબેન પટેલ નામના એક વૃદ્ધા પર વાંદરાએ અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાંદરાના બચકાના કારણે વૃદ્ધાને શરીરે 20થી વધુ ટાંકા લેવાની ફરજ પડી છે, જે આ હુમલાની ગંભીરતા દર્શાવે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં કપિરાજ દ્વારા હુમલો કરવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. અત્યાર સુધીમાં 12થી વધુ નિર્દોષ લોકો વાંદરાઓના આક્રમક વ્યવહારનો ભોગ બની ચૂક્યા છે અને ઈજાગ્રસ્ત થયા છે. બાળકો વૃદ્ધો અને મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું પણ હવે જોખમી બની ગયું છે.

રહીશોએ ભારે આક્રોશ સાથે ફરિયાદ કરી છે કે, વિસ્તારમાં 70થી વધુ વાંદરાઓનું મોટું ઝૂંડ એકસાથે રખડતું જોવા મળે છે. આ વાંદરાઓ અગાસીઓ, ધાબા અને રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસે છે અને અચાનક જ રાહદારીઓ કે ઘર આંગણે ઉભેલા લોકો પર ત્રાટકે છે.

વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર અને વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ માંગ કરી છે કે, વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાંજરા મૂકીને આ આક્રમક વાંદરાઓને પકડીને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે, જેથી કોઈ મોટી હોનારત ટાળી શકાય અને લોકોને ભયના ઓથારમાંથી મુક્તિ મળે.