પશ્ચિમ રેલવેના વડોદરા મંડળનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં રૂ. 12.98 કરોડની જંગી આવક રળી

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે ઐતિહાસિક રેકોર્ડ સર્જી એક જ દિવસમાં રૂ. 12.98 કરોડની જંગી આવક મેળવી છે. માલ પરિવહન અને પેસેન્જર ટ્રાફિકમાં મંડળે જૂના તમામ રેકોર્ડ તોડ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 15 Nov 2026 12:19 PM (IST)Updated: Sun, 15 Nov 2026 12:19 PM (IST)
western-railway-vadodara-division-creates-historic-record-earns-12-98-crore-revenue-in-single-day

Vadodara Railway Division Record: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા કામગીરીના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરવામાં આવી છે. મંડળે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અદ્ભુત પ્રદર્શન કરતા એક જ દિવસમાં સૌથી વધુ આવક મેળવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વડોદરા રેલવે મંડળને એક જ દિવસમાં કુલ રૂ. 12.98 કરોડની જંગી આવક પ્રાપ્ત થઈ છે, જેણે ભૂતકાળના તમામ રેકોર્ડ ધૂળધાણી કરી દીધા છે. અગાઉ મંડળની એક દિવસની સર્વોચ્ચ આવક રૂ. 11.37 કરોડની હતી.

તમામ વિભાગોના ફાળાથી રકમ જમા

આ ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક આવકમાં રેલવેના ચારેય મુખ્ય વિભાગો - પેસેન્જર ટ્રાફિક, ફ્રેઈટ (માલ પરિવહન), પાર્સલ સેવા તેમજ ટિકિટ ચેકિંગ વિભાગની સક્રિય કામગીરીનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તમામ વિભાગોના સંયુક્ત પ્રયાસોના પરિણામે રેલવે તંત્રની તિજોરીમાં આટલી મોટી રકમ જમા થઈ છે.

ચાલુ વર્ષનો અત્યાર સુધીનો મોટો રેકોર્ડ

પેસેન્જર સેવાની સાથે-સાથે માલ પરિવહન ક્ષેત્રે પણ વડોદરા મંડળે કમાલ કરી બતાવી છે. મંડળ દ્વારા માત્ર એક જ દિવસમાં ફ્રેઈટ આવક પેટે રૂ. 10.81 કરોડ મેળવવામાં આવ્યા છે, જે ચાલુ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. આ અગાઉ માલ લોડિંગથી એક દિવસમાં મહત્તમ રૂ. 9.32 કરોડની આવક નોંધાઈ હતી. કોલસો, ખાદ્ય અનાજ, સ્ટીલ કોઈલ્સ, પાઈપ અને કન્ટેનર જેવી વિવિધ મુખ્ય સામગ્રીના વ્યાપક લોડિંગને કારણે આ સિદ્ધિ હાંસલ થઈ શકી છે.

રેલ્વે વિભાગમાં ખુશીની લહેર છવાઈ

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીણા દ્વારા આ વિશેષ સિદ્ધિની સત્તાવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર રાજૂ ભડકેના કુશળ નેતૃત્વ અને સચોટ આયોજન હેઠળ વડોદરા મંડળે પોતાના જ જૂના રેકોર્ડને પાછળ છોડી દીધા છે. રેલવે પ્રશાસનની આ ઉત્કૃષ્ટ કામગીરીથી યાત્રી સુવિધાઓ અને માલ પરિવહનમાં એક નવું ધોરણ સ્થાપિત થયું છે, જેના કારણે રેલવે બેડામાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે.