વડોદરાના પરપ્રાંતિય શ્રમિકો માટે રાહતના સમાચાર! હવે એડ્રેસ પ્રુફ વગર પણ મળશે 'મિની LPG ગેસ સિલિન્ડર'

શ્રમિકોએ પોતાનું કોઈપણ એક માન્ય સરકારી ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 03 May 2026 12:35 PM (IST)Updated: Sun, 03 May 2026 12:35 PM (IST)
vadodara-migrant-workers-get-bpcl-5-kg-mini-lpg-cylinder-without-address-proof
HIGHLIGHTS
  • વડોદરાના શ્રમિકો માટે ખુશખબર
  • મિની LPG ગેસ સિલિન્ડર યોજના
  • એડ્રેસ પ્રુફ વગર મળશે સિલિન્ડર

Vadodara Mini LPG Gas Cylinder: ઔદ્યોગિક નગરી વડોદરામાં રોજગારીની શોધમાં આવતા હજારો પરપ્રાંતિય શ્રમિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ભાડાના મકાનમાં રહેતા શ્રમિકોએ રાંધણ ગેસ માટે ભટકવું નહીં પડે, કારણ કે સ્થાનિક એડ્રેસ પ્રુફ વગર 5 કિલોનો મિની LPG ગેસ સિલિન્ડર આપવાની યોજના અમલી બની છે.

એડ્રેસ પ્રુફની ઝંઝટમાંથી મળી મુક્તિ 

સામાન્ય રીતે નવું ગેસ કનેક્શન લેવા માટે જે-તે શહેરના સ્થાનિક રહેઠાણનો પુરાવો (Address Proof) અનિવાર્ય હોય છે. વડોદરામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યમાંથી આવતા મજૂરો પાસે ભાડા કરાર કે સ્થાનિક પુરાવા ન હોવાથી તેમને કાયદેસરનું જોડાણ મેળવવામાં ભારે હાલાકી પડતી હતી.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા પરપ્રાંતીય શ્રમિકો માટે એક મોટી ભેટ આપવામાં આવી છે. BPCL દ્વારા નિયમોમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે. હવે શ્રમિકોએ માત્ર પોતાનું કોઈપણ એક માન્ય સરકારી ઓળખપત્ર (ID Proof) રજૂ કરવાનું રહેશે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ અને ફાયદા

  • ત્વરિત સુવિધા: શ્રમિકોને કોઈપણ લાંબી કાગળિયાની પ્રક્રિયા વગર સ્થળ પર જ આ સિલિન્ડર ઉપલબ્ધ થશે.
  • પોર્ટેબિલિટી: 5 કિલોનો નાનો સિલિન્ડર હોવાથી શ્રમિકો તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકશે.
  • સુરક્ષામાં વધારો: આ સુવિધાને કારણે શ્રમિકો ગેરકાયદેસર અને જોખમી રીતે થતા ગેસ રિફિલિંગથી બચશે, જેનાથી અકસ્માતનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટશે.

શ્રમિકોના જીવનધોરણમાં મોટું પરિવર્તન

વડોદરાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા મજૂરો માટે આ યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અત્યાર સુધી રસોઈ માટે કેરોસીન કે લાકડા પર નિર્ભર રહેતા અથવા મોંઘા ભાવે ગેરકાયદે ગેસ લેતા શ્રમિકોને હવે વ્યાજબી દરે સુરક્ષિત ઈંધણ મળશે.

સ્થાનિક સામાજિક સંગઠનો અને ઉદ્યોગ જગતે BPCL આ નિર્ણયને દિલથી આવકાર્યો છે. આ ઉત્તમ પહેલથી હજારો પરિવારોના જીવનધોરણમાં સુધારો થશે, અને તેમને પાયાની સુવિધા મેળવવા માટે હવે વચેટીયાઓ કે જટિલ સરકારી પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહીં.