Vadodara: વડોદરામાં ગેસ કનેક્શન માટે ‘વેઇટિંગ’, કોમર્શિયલ સિલિન્ડરના ભાવ થયા બમણા; ખાણી-પીણીના ધંધાર્થીઓ પાયમાલ

ઘરેલુ રાંધણ ગેસ કનેક્શન માટે પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 06 Apr 2026 02:42 PM (IST)Updated: Mon, 06 Apr 2026 02:42 PM (IST)
vadodara-domestic-gas-connection-waiting-commercial-cylinder-price-hike
HIGHLIGHTS
  • વડોદરામાં ગેસ કનેક્શન માટે વેઇટિંગ
  • કોમર્શિયલ ગેસના ભાવ બમણા થયા
  • ગૃહિણીઓ-વેપારીઓમાં ભારે પરેશાન

Vadodara Gas Price Hike: વડોદરા શહેરમાં હાલ કોમર્શિયલ અને ઘરેલું ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. એક તરફ ખાનગી કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. તો બીજી તરફ નવા કનેક્શન માટે મહિના લાંબુ વેઇટિંગ આવતા નાના વેપારીઓની હાલત કફોડી બની છે.

કોમર્શિયલ ગેસના ભાવ બમણા

શહેરમાં ખાનગી ગેસ કંપનીઓ દ્વારા મનસ્વી રીતે ભાવ વધારો કરવામાં આવતા નાના રેસ્ટોરન્ટ માલિકો અને નાસ્તાની લારી ચલાવતા શ્રમિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જે કોમર્શિયલ બોટલ અગાઉ 2500 રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ હવે સીધો રૂપિયા 5000 થઈ ગયો છે.

ભાવ બમણો થઈ જતાં અનેક હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો માટે ધંધો ચલાવવો આર્થિક રીતે અશક્ય બની રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, જો આટલો મોંઘો ગેસ વાપરીએ તો ગ્રાહકો પાસેથી વધુ પૈસા લેવા પડે, જે અત્યારે શક્ય નથી.

નવા કનેક્શન માટે લાંબુ વેઇટિંગ

ગંભીર બાબત એ છે કે મોંઘા ભાવે પણ ગેસ કનેક્શન સરળતાથી મળી રહ્યા નથી. હાલમાં અંદાજે 100 જેટલા લોકોએ ડિપોઝિટ ભરી દીધી હોવા છતાં તેઓ વેઇટિંગ લિસ્ટમાં છે. વહીવટી મર્યાદાને કારણે રોજ માંડ 2 થી 3 નવા કોમર્શિયલ કનેક્શન આપી શકાય છે, જેના કારણે અનેક લોકોના ધંધા રોજગાર અટકી પડ્યા છે.

ઘરેલુ ગેસ કનેક્શન માટે અરજીનો ધોધ

માત્ર કોમર્શિયલ જ નહીં, પણ ઘરેલુ રાંધણ ગેસ કનેક્શન માટે પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આંકડાકીય માહિતી મુજબ...

  • માર્ચ મહિનામાં: ઘરેલુ ગેસ માટે કુલ 3800 અરજી આવી હતી.
  • એપ્રિલ: ચાલુ મહિનાના પ્રથમ 6 દિવસમાં જ 1800 નવી અરજી નોંધાઈ છે.

માંગ સામે પુરવઠાની સ્થિતિ સિમિત 

આટલી મોટી માંગ સામે તંત્ર દ્વારા રોજના આશરે માત્ર 150 કનેક્શન આપવામાં આવી રહ્યા છે. અરજીઓની સરખામણીએ કનેક્શન આપવાની ગતિ ઓછી હોવાથી સામાન્ય પરિવારોને પણ રાંધણ ગેસ માટે લાંબી રાહ જોવી પડી રહી છે.

ઉનાળાની શરૂઆતમાં જ ગેસની આ તંગી અને ભાવ વધારાથી વડોદરાવાસીઓના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જો આગામી દિવસોમાં પુરવઠો નહીં વધારવામાં આવે તો વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.