Vadodara SSG Hospital: મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા દર્દીઓના હિતમાં એક ક્રાંતિકારી અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના ઈતિહાસમાં પ્રથમવાર હવે ICCU (ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ) અને MICU (મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ) માં દાખલ અતિ ગંભીર દર્દીઓ માટે મોબાઈલ ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધા કાર્યરત કરવામાં આવી છે.
'ગોલ્ડન અવર' માં આશીર્વાદરૂપ સુવિધા
તબીબી વિજ્ઞાનમાં ગંભીર દર્દીઓ માટે સારવારનો પ્રથમ કલાક એટલે કે 'ગોલ્ડન અવર' અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. અગાઉના સમયમાં જ્યારે કોઈ દર્દી વેન્ટિલેટર પર હોય કે તેને હૃદયની ગંભીર બીમારી હોય, ત્યારે તેનો એક્સ-રે પાડવા માટે દર્દીને સ્ટ્રેચર પર સૂવડાવીને એક્સ-રે વિભાગ સુધી લઈ જવો પડતો હતો.
ICCU-MICUમાં 'બેડ સાઈડ' એક્સ-રે હશે
આ અવરજવર દરમિયાન દર્દીનો જીવ જોખમમાં મુકાવાની શક્યતા રહેતી હતી. પરંતુ હવે નવી ટેકનોલોજીના કારણે ટેકનિશિયન મશીન લઈને સીધા દર્દીના બેડ પાસે પહોંચશે, જેથી દર્દીના હલનચલન વગર ત્વરિત નિદાન થઈ શકશે. શ્વાસની તકલીફ કે ફેફસામાં પાણી ભરાવા જેવી કટોકટીમાં આ મશીન ખરા અર્થમાં 'લાઈફ સેવર' સાબિત થશે.
મોબાઈલ ડિજિટલ એક્સ-રે મશીનના ફાયદા
- વાયરલેસ સિસ્ટમ: આ ડિજિટલ મશીનમાં વાયરલેસ ડિજિટલ ડિટેક્ટર હોવાથી વાયરોની કોઈ જંજાળ રહેતી નથી.
- ઝડપી રિપોર્ટ: મશીન દ્વારા માત્ર 5 થી 10 સેકન્ડમાં હાઈ-રિઝોલ્યુશન ઈમેજ જનરેટ થાય છે અને રિપોર્ટ સીધો જ ડોક્ટરના ટેબલેટ કે કમ્પ્યુટર પર જોઈ શકાય છે.
- ઓછું રેડિયેશન: જૂના મશીનોની તુલનામાં આ મશીન ઘણું ઓછું રેડિયેશન છોડે છે, જે હોસ્પિટલ સ્ટાફ અને દર્દી બંનેની સુરક્ષા માટે ઉત્તમ છે.
- સરળ પરિવહન: મશીન કદમાં નાનું હોવાથી તેને વોર્ડના સાંકડા રસ્તાઓ પર પણ સરળતાથી ફેરવી શકાય છે.
ગરીબ દર્દીઓને મળશે મોટી આર્થિક રાહત
SSG હોસ્પિટલમાં વડોદરા ઉપરાંત પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી શ્રમિક અને ગરીબ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે. ખાનગી હોસ્પિટલોમાં ડિજિટલ એક્સ-રે માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જ્યારે SSG હોસ્પિટલમાં આ જ સુવિધા મફત અથવા અત્યંત નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે મધ્ય ગુજરાતના હજારો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
