Vadodara Hit and run: સંસ્કારી નગરી વડોદરાના રાજમાર્ગો પર બેફામ દોડતા વાહનો હવે નિર્દોષ નાગરિકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા એમ.જી. રોડ પર આજે વહેલી સવારે હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. એક અજાણ્યા કારચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
સવારે 4:15 વાગ્યે સર્જાયો અકસ્માત
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, આ બનાવ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા સિટી બસ સ્ટેન્ડ પાસે સવારે અંદાજે 4:15 વાગ્યે બન્યો હતો. વહેલી સવારનો સમય હોવાથી રસ્તા પ્રમાણમાં સૂમસામ હતા, જેથી કારચાલક પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હશે. આ દરમિયાન કાર ચાલકે એક મહિલાને ટક્કર મારી હતી.
ઘટનાસ્થળે જ મહિલાએ દમ તોડ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી પ્રચંડ હતી કે મહિલા હવામાં ફંગોળાઈને દૂર જઈ પડ્યા હતા. મહિલાને માથા તેમજ શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ થવાથી તેમનો જીવ બચી શક્યો ન હતો. જ્યારે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
સિટી પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડાયો હતો. જોકે, હજુ સુધી મૃતક મહિલાની ઓળખ થઇ શકી નથી, આથી પોલીસ તેમના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: Vadodara: આજોડ પાસે રૂ. 1.53 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, બિશ્નોઈ ગેંગ સાથેનું કનેક્શન ખુલ્યું
આ મામલે સિટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા એમ.જી. રોડ અને સિટી બસ સ્ટેન્ડ તરફ જતા તમામ રસ્તાઓ પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી ફરાર કારનો નંબર અને ચાલકની ઓળખ કરી શકાય.
રાત્રી પેટ્રોલીંગ વધારવા નાગરિકોની માંગ
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે કે મોડી રાત્રે ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. આ હિટ એન્ડ રનની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે અને બેફામ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
