Vadodara: આજોડ પાસે એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 1.53 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, બિશ્નોઈ ગેંગ સાથેનું કનેક્શન ખુલ્યું

પોલીસે કન્ટેનર સહિત કુલ રૂ. 1.63 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 03 May 2026 11:16 AM (IST)Updated: Sun, 03 May 2026 11:17 AM (IST)
vadodara-lcb-seizes-bishnoi-gang-liquor-near-ajod-village-on-expressway
HIGHLIGHTS
  • વડોદરા ગ્રામ્ય LCB પોલીસની કાર્યવાહી
  • એક્સપ્રેસ હાઈવે પર વિદેશી દારૂ ઝડપાયો

Vadodara Crime News: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ એક્શનમાં આવેલી જિલ્લા LCB ટીમે આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પરથી રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા મોકલવામાં આવેલો રૂ. 1.53 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

બાતમીના આધારે LCB ટીમની કાર્યવાહી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, LCB ટીમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી એક મોટા કન્ટેનરમાં દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આજોડ ગામની સીમમાં ટોલનાકા પહેલાં વોચ ગોઠવી હતી. 

બિશ્નોઈ ગેંગ અને એક આરોપીની ધરપકડ 

જ્યારે શંકાસ્પદ કન્ટેનર ત્યાંથી પસાર થયું, ત્યારે તેને અટકાવીને તલાશી લેતા તેમાંથી લાખોની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી જ કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે, જેનું નામ ગોપાલરામ જોધારામ બિશ્નોઈ (ઉંમર 45 વર્ષ, રહેવાસી: બાલોત્રા, રાજસ્થાન) છે. સાથે જ કન્ટેનર સહિત કુલ રૂ. 1.63 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા ચાલકની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ દારૂનો જથ્થો ધર્માભાઈ નામના વ્યક્તિએ ભરાવ્યો હતો, જ્યારે કન્ટેનરની વ્યવસ્થા રાજુરામ મોડારામ બિશ્નોઈએ કરી આપી હતી. હાલ પોલીસે આ બંને મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બે જ દિવસમાં 2 કરોડનો દારૂ ઝડપાયો

ઉલ્લેખનીય છે કે, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે જ દિવસમાં કુલ 2 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાતા બુટલેગરોમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા અનેક રાજકીય ચર્ચા જાગી છે. જોકે, હાલમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ આખું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની સઘન અને ઊંડી તપાસ શરૂ કરી છે.