Vadodara એક્સપ્રેસ-વે પર લોહિયાળ અકસ્માત: S.T. બસ પાછળ કાર ઘૂસી જતાં સુરત SOGના કોન્સ્ટેબલનું કરુણ મોત, જુઓ VIDEO

વડોદરા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતમાં સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના પોલીસ કોન્સ્ટેબલની કારનો અકસ્માત સર્જાતા મોત થયું હતું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 02 May 2026 11:10 AM (IST)Updated: Sat, 02 May 2026 08:51 PM (IST)
vadodara-expressway-accident-surat-sog-constable-death-st-bus-collision

Vadodara Accidnet: વડોદરા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ફરજ બજાવી પરત ફરી રહેલા સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના પોલીસ કોન્સ્ટેબલની કાર આગળ જતી S.T. બસ પાછળ ધડાકાભેર ઘૂસી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

naidunia_image

અચાનક બસે રૂટ બદલતા સર્જાયો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત ખાતે રહેતા અને SOG શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈ કોઈ સરકારી કે અંગત કામ અર્થે અમદાવાદ ગયા હતા. કામ પતાવીને તેઓ પોતાની ખાનગી કારમાં એક્સપ્રેસ હાઈવે માર્ગે સુરત પરત ફરી રહ્યા હતા. પાદરા નજીક પહોંચતા, તેમની કારની આગળ ચાલી રહેલી એસ.ટી. બસના ચાલકે અચાનક જ રૂટ બદલતા અથવા વળાંક લેતા પાછળ આવી રહેલી કાર સીધી જ બસના પાછળના ભાગે અથડાઈ હતી.

કારમાં જ ફસાઈ ગયા હતા કોન્સ્ટેબલ

આ ગંભીર દુર્ઘટનામાં કારનો આગળનો ભાગ બસની નીચેના ભાગમાં ફસાઈ ગયો હતો. ભરતભાઈ કારમાં જ ગંભીર રીતે ફસાઈ ગયા હતા અને તેમને માથા તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ભરતભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસે ક્રેન અને મશીનરીની મદદ લીધી

ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે મશીનરી અને ક્રેનની મદદથી કારનું પતરું કાપીને ભરતભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે પાદરાની CHC હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

સુરત પોલીસ બેડામાં શોકની લહેર

ફરજ પરના બાહોશ કોન્સ્ટેબલના અકાળે અવસાનના સમાચાર સુરત પોલીસ વિભાગમાં વહેતા થતાં જ સાથી કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પાદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને સુરત સ્થિત તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.