Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ રક્ષાબંધન પૂર્વે રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પાદરા-જંબુસર રોડ પર આવેલ માર્બલના શોરૂમ પર દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું.
પોલીસે સ્થળ પરથી અલગ અલગ 23 બ્રાન્ડની કુલ 500 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યા હતો. આ મુદ્દામાલની કિંમત અંદાજે રૂપિયા 86 લાખ જેટલી થાય છે. સાથે જ, દારૂના જથ્થાના પરિવહન માટે વપરાયેલા એક ફોરવ્હીલર, બે ‘છોટા હાથી’ વાહન, એક કન્ટેનર અને એક મોટરસાયકલ મળી કુલ પાંચ વાહનો પણ પોલીસે કબજે લીધા છે.
કન્ટેનરમાંથી નાના વાહનોમાં દારૂ કટીંગ કરી શહેરમાં ઘૂસાડવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ, દારૂનો જથ્થો નાના વાહનોમાં ભરાઈ નીકળી તે પહેલા જ એલસીબી ટીમે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડી સમગ્ર જથ્થો કબજે લીધો હતો. આ કાર્યવાહી વડોદરા જિલ્લા એલસીબીના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાઈ હતી. પોલીસે દારૂના જથ્થા અને વાહનો સાથે સંકળાયેલા આરોપીઓને ઓળખી તેમની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો
વડોદરા જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર પર નિયંત્રણ મેળવવા પોલીસે તાજેતરમાં કડક અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે આ સફળ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. રક્ષાબંધન પર્વ પહેલાં જ દારૂનો મોટો જથ્થો ઝડપાવવાથી પોલીસે બુટલેગરોના ફફડાટ વ્યાપી ગયો છે.