વડોદરા: ખંડેરાવ માર્કેટ અને રાજમહેલ રોડ પર પાલિકાની કાર્યવાહી, ગંદકી કરનારને દંડ અને નોટિસ

VMC અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ સાથે સંવાદ કરીને તેમને જાહેરમાં કચરો ન ફેંકવા માટે સૂચના આપી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Nov 2026 03:37 PM (IST)Updated: Thu, 26 Nov 2026 03:37 PM (IST)
vadodara-khanderao-market-and-rajmahal-road-vmc-cleanliness-drive-fines-and-notices-for-littering

Vadodara News: વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ખંડેરાવ માર્કેટ અને રાજમહેલ રોડ પર મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જાહેર માર્ગો અને ફૂટપાથ પર કચરો ફેંકી ગંદકી ફેલાવતા ધંધાકીય એકમો તેમજ વ્યક્તિઓ સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

જાહેરમાં ગંદકી ફેલાવતા હોવાની ફરિયાદ

ખંડેરાવ માર્કેટ અને આસપાસના વિસ્તારમાં સતત ધમધમતી દુકાનો, લારી-ગલ્લા અને અન્ય વ્યાપારીએકમોમાંથી નીકળતો કચરો જાહેરમાં નાખવામાં આવતો હોવાની ફરિયાદો અને સ્થિતિને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો. તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરીને જાહેરમાં ગંદકી કરતા ધંધાકીય એકમોને કાયદેસરની નોટિસ બજાવવામાં આવી હતી.

અધિકારીઓએ કર્યો વેપારીઓ સાથે સંવાદ

આ ઉપરાંત, સ્થળ પર જ ગંદકી કરતા ઈસમો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સફાઈ ઝુંબેશ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થાનિક વેપારીઓ સાથે સીધો સંવાદ કરીને તેમને જાહેરમાં કચરો ન ફેંકવા માટે કડક સૂચના આપી હતી. વેપારીઓને પોતાની દુકાન કે એકમનો કચરો નિયત સમયે અને નિયત વ્યવસ્થા મુજબ જ નિકાલ કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભવિષ્યમાં જો કોઈ વેપારી કે એકમ દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકી સ્વચ્છતાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે કડક કાનૂની અને દંડનીય પગલાં ભરવામાં આવશે, તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરની સ્વચ્છતા જાળવવામાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

નાગરિકો અને વેપારીઓનો સહયોગ જરૂરી

નાગરિકો અને વેપારીઓના સહયોગથી જ શહેરને સ્વચ્છ રાખી શકાય તેમ હોવાથી પ્રત્યેક વ્યક્તિએ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વોર્ડ અને ઝોનમાં આવી તપાસ અને ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ ફેલાય અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે.