Vadodara News: વડોદરા શહેરની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વધુ એક વખત વહીવટી વિવાદમાં સપડાઈ છે. આર્ટ્સ ફેકલ્ટીના અનુસૂચિત જાતિ સમાજના પૂર્વ વિદ્યાર્થી કૃપાંગ સોલંકીએ એક વીડિયો નિવેદન જાહેર કરીને યુનિવર્સિટીના ઉચ્ચ હોદ્દેદારો સામે જાતિવાદ અને માનસિક ત્રાસ ગુજારવાના સનસનીખેજ આક્ષેપો કર્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે યુનિવર્સિટી તંત્ર દ્વારા આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે.
પાંચથી છ વર્ષ સુધી ડિગ્રીથી વંચિત રાખવામાં આવ્યાનો આક્ષેપ
કૃપાંગ સોલંકીના જણાવ્યા અનુસાર, તેમણે વર્ષ 2018માં યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો અને નવેમ્બર 2021માં અભ્યાસની તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા તેમને જાણીજોઈને નિશાન બનાવી પાંચથી છ વર્ષ સુધી ડિગ્રીથી વંચિત રાખવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અર્થે દિલ્હીમાં સ્થાયી થયેલા કૃપાંગને ડિગ્રીના બહાને વારંવાર વડોદરા બોલાવી કચેરીઓના ધક્કા ખવડાવવામાં આવતા હતા. તંત્ર દ્વારા અલગ-અલગ ફોર્મ ભરાવી, કલાકો સુધી બેસાડી રાખી અને ગેરમાર્ગે દોરતા જવાબો આપી શારીરિક તેમજ માનસિક હેરાનગતિ કરાઈ હોવાનો તેમણે દાવો કર્યો છે.
પોતાની સાથે જાતિગત ભેદભાવ થઈ રહ્યો હોવાનું જણાતા કૃપાંગે માહિતી અધિકાર હેઠળ અરજી કરી હતી. આશ્ચર્યજનક રીતે, RTIની પ્રથમ અપીલ બાદ જ તેમને તાત્કાલિક ડિગ્રી આપી દેવામાં આવી હતી. આ મામલે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જે ડિગ્રી છ વર્ષ સુધી અટકાવી રખાઈ હતી, તે અપીલ થતા જ અચાનક કેવી રીતે મળી ગઈ? તેમણે આક્ષેપ કર્યો છે કે વહીવટી મિલીભગતની તપાસ કરવાને બદલે, ચાર દીવાલ વચ્ચે ડિગ્રી સોંપીને સમગ્ર મામલો દબાવી દેવાનો પ્રયાસ થયો છે.
વિદ્યાર્થી દ્વારા તપાસની માગ કરવામાં આવી
વધુમાં, આ પ્રકરણમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ ફરિયાદ નોંધાવી સુનાવણી હાથ ધરાઈ હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ આયોગની નોટિસોનો અનાદર કરી ગેરમાર્ગે દોરનારા જવાબો આપ્યા હોવાનું પણ જણાવાયું છે. કૃપાંગે આ સમગ્ર ષડયંત્ર અને હેરાનગતિ પાછળ રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા અને વાઈસ ચાન્સેલરની સીધી સંડોવણી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. વિદ્યાર્થીએ સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
યુનિવર્સિટીના રજિસ્ટ્રારે આક્ષેપોને નકારી કાઢ્યા
યુનિવર્સિટી તંત્ર સામે લગાવવામાં આવેલા આક્ષેપો અંગે રજિસ્ટ્રાર કે. એમ. ચુડાસમાએ સત્તાવાર નિવેદન આપી તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે વિદ્યાર્થી દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેને તો 6 મહિના પહેલાં જ પોતાની ડિગ્રી મળી ચૂકી છે. ડિગ્રી મળી ગયા બાદ પણ વિદ્યાર્થી દ્વારા ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરીને જાણીજોઈને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે તથ્યો સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે.
