વડોદરાની મ.સ. યુનિવર્સિટીની 16 હોસ્ટેલો પર 143 કિલોવોટની સોલાર પેનલ લાગશે, વર્ષે 99 લાખનું વીજ બિલ બચશે

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(Maharaja Sayajirao University)ની 16 હોસ્ટેલમાં 143 કિલોવોટની રૂફટોપ સોલાર પેનલ(Solar Panel) લગાવાશે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મંજૂરી બાદ દિવાળી વેકેશન પૂર્ણ થયા પછી કામગીરી શરૂ થશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 12 Nov 2026 11:17 AM (IST)Updated: Thu, 12 Nov 2026 11:17 AM (IST)
vadodara-news-ms-university-to-install-143-kw-solar-panels-across-16-hostels

Vadodara News: વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં પર્યાવરણની જાળવણી અને ગ્રીન એનર્જીના ઉપયોગને વેગ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંચાલિત વિદ્યાર્થીઓની વિવિધ હોસ્ટેલો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાના પ્રોજેક્ટને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તરફથી સત્તાવાર લીલી ઝંડી મળી ગઈ છે. કુલ 143 કિલોવોટ ક્ષમતા ધરાવતા આ મહત્ત્વાકાંક્ષી સોલાર પ્રોજેક્ટની કામગીરી દિવાળીના તહેવારો અને વેકેશન પૂર્ણ થયા બાદ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

આ યોજના અંતર્ગત યુનિવર્સિટીની કુલ 16 હોસ્ટેલોને આવરી લેવામાં આવી છે, જેમાં 12 બોયઝ હોસ્ટેલ અને 4 ગર્લ્સ હોસ્ટેલનો સમાવેશ થાય છે. ખાસ બાબત એ છે કે, જેડા દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી મળતાં સમગ્ર સોલાર સિસ્ટમ યુનિવર્સિટીને વિનામૂલ્યે પ્રાપ્ત થશે. કોઈપણ પ્રકારના પ્રારંભિક મૂડીરોકાણ વિના આ સુવિધા મળવાથી યુનિવર્સિટી તંત્રને સીધો અને મોટો આર્થિક ફાયદો થશે.

હાલમાં યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં વીજ વપરાશનો આંકડો ઘણો ઊંચો છે. શૈક્ષણિક કેલેન્ડર મુજબ, વર્ષના 12 મહિનામાંથી પરીક્ષાઓ અને વેકેશનના 3 મહિના બાદ કરતાં હોસ્ટેલો વર્ષમાં કુલ 9 મહિના સુધી સંપૂર્ણપણે કાર્યરત રહે છે. આ 9 મહિના દરમિયાન 12 બોયઝ હોસ્ટેલનું માસિક વીજ બિલ અંદાજે રૂ. 8 લાખ અને 4 ગર્લ્સ હોસ્ટેલનું માસિક બિલ અંદાજે રૂ. 3 લાખ આવે છે. આમ, બંને હોસ્ટેલોનો મળીને દર મહિને કુલ રૂ. 11 લાખનો વીજ ખર્ચ થાય છે, જે 9 મહિનાના કાર્યરત સમયગાળા મુજબ વાર્ષિક રૂ. 99 લાખ જેટલી માતબર રકમ પર પહોંચે છે.

કેમ્પસની હોસ્ટેલો પર 143 કિલોવોટની રૂફટોપ સોલાર પેનલ કાર્યરત થવાથી દર વર્ષે 2 લાખથી વધુ યુનિટ્સ જેટલી સ્વચ્છ અને ગ્રીન વીજળીનું ઉત્પાદન થશે. સૌર ઊર્જાના આ વપરાશને કારણે યુનિવર્સિટીના વાર્ષિક રૂ. 99 લાખના તોતિંગ વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે. પરિણામે, યુનિવર્સિટીને દર વર્ષે લાખો રૂપિયાની સીધી નાણાકીય બચત થશે અને કેમ્પસ ગ્રીન એનર્જી તરફ એક મજબૂત ડગલું ભરશે.