ગાંધીજયંતી નિમિત્તે વડોદરા પોલીસ દ્વારા વોકેથોન, ‘ડ્રગ્સ અને વ્યસન મુક્ત સમાજ’ નો સંકલ્પ લેવડાવ્યો

વડોદરા પોલીસ દ્વારા આયોજીત વોકેથોનમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો જોડાયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 02 Oct 2026 03:39 PM (IST)Updated: Fri, 02 Oct 2026 03:39 PM (IST)
gandhi-jayanti-2026-vadodara-police-walkathon-drug-free-addiction-free-society
વડોદરા પોલીસ વોકેથોન 2026

Vadodara Police Walkathon: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના પાવન અવસરે વડોદરા શહેર પોલીસ દ્વારા “ડ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત સમાજ” નિર્માણ કરવાના ઉમદા હેતુથી જનજાગૃતિ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારના કુશળ માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ આયોજિત કાર્યક્રમમાં શહેરના નાગરિકો અને યુવાનોએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો.

આ જનજાગૃતિ વોકેથોનમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વિવિધ સામાજિક સંસ્થાઓ, NGO ના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો સ્વયંભૂ જોડાયા હતા. સહભાગીઓએ હાથમાં ‘Say No To Drugs’, ‘Say No To Tobacco’, ‘વ્યસન છોડો, જીવન અપનાવો’ જેવા પ્રેરણાદાયી સંદેશા લખેલા બેનરો સાથે સમગ્ર શહેરમાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવી હતી.

આ રેલી MS યુનિવર્સિટીના મુખ્ય ગેટ પરથી પ્રસ્થાન થઈને સયાજીબાગ સ્થિત આવેલા એમ્ફી થિયેટર ખાતે પહોંચીને સભામાં ફેરવાઈ હતી. ગાંધી જયંતીના દિવસે વડોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સરાહનીય પગલાંને શહેરના અગ્રણીઓ અને નાગરિકો દ્વારા ભારે આવકારવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પોલીસ કમિશનર નરસિંહા કોમારે યુવા પેઢીને ડ્રગ્સ, તમાકુ, ગુટખા અને અન્ય તમામ પ્રકારના નાર્કોટિક્સ પદાર્થોની ઝાળમાંથી દૂર રહેવા માટે કડક આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “યુવાનો કોઈપણ દેશ કે સમાજનું ભવિષ્ય અને વાસ્તવિક શક્તિ છે. માત્ર વ્યસનમુક્ત યુવા પેઢી જ એક સ્વસ્થ, સુદ્રઢ અને સશક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે છે.”

આ સાથે જ પોલીસ કમિશનરે યુનિવર્સિટીના પ્રોફેસરો, શિક્ષકો અને વાલીઓને વિશેષ અપીલ કરતા જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાર્થીઓના રોજિંદા વર્તન અને આદતો પર સતત ધ્યાન રાખે. જો કોઈ પણ વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારની કુટેવ કે નશાની આદત જણાય, તો તુરંત જ તેના વાલીઓને માહિતગાર કરી તેને માર્ગદર્શન અને કાઉન્સિલિંગ પૂરું પાડવામાં આવે.