Vadodara: મીરા ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનઃ નંબર પ્લેટ વિનાની થાર ગાડીમાં દારૂની મહેફિલ માણતા કાર ચાલકની અટકાયત

વડોદરાના મીરા ચાર રસ્તા પર નંબર પ્લેટ વિનાની થાર ગાડીનો ડ્રાઈવર અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ગાડીમાં તે દારૂ પીતો હોવાનો વીડિયો રાહદારીઓએ ઉતારીને વાયરલ કરી દીધો હતો. જેના આધારે કારેલીબાગ પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Sep 2026 06:51 PM (IST)Updated: Sat, 26 Sep 2026 06:51 PM (IST)
vadodara-hit-and-run-drunk-driver-in-unnumbered-thar-arrested-near-mira-char-rasta

Vadodara Hit And Run: વડોદરા શહેરના રાજમાર્ગો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

શહેરના વ્યસ્ત ગણાતા મીરા ચાર રસ્તા પાસે એક કાળા રંગની નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર ગાડીના ચાલકે હિટ એન્ડ રન સર્જીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આ કારચાલક ખુલ્લેઆમ ચાલુ ગાડીમાં દારૂની મહેફિલ માણી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવતાં ચકચાર મચી ગઈ છે. 

મીરા ચાર રસ્તા નજીક નંબર પ્લેટ વગરની એક થાર કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ વાહનચાલકે ઊભા રહેવાને બદલે ઘટનાસ્થળેથી કાર પૂરપાટ ઝડપે દોડાવી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના દરમિયાન કારની અંદર ચાલક અને તેના સાથીઓ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાતું હતું. સમગ્ર ઘટનાનો વિડિયો ત્યાંથી પસાર થતા રાહદારીઓએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મુખ્ય માર્ગ પર જ રાજ્યમાં અમલી કડક દારૂબંધીના ધજાગરા ઉડતા જોઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાયદો કડક હોવા છતાં અને શહેરમાં ઠેર-ઠેર પોલીસ પોઈન્ટ હોવા છતાં આવી રીતે નંબર પ્લેટ વગરની ગાડીમાં દારૂ પીને અકસ્માત સર્જવાની ઘટનાથી પોલીસ બંદોબસ્ત અને નાઈટ પેટ્રોલીંગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતા જોઈ કારેલીબાગ પોલીસનો કાફલો તરત જ હરકતમાં આવ્યો હતો અને પીછો કરીને થાર ગાડી તેમજ તેના ચાલકની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી.

કારેલીબાગ પોલીસે થાર ગાડી જપ્ત કરી ચાલક વિરુદ્ધ અકસ્માત, દારૂબંધી ભંગ અને વાહન વ્યવહારના નિયમોના ઉલ્લંઘન હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.