વડોદરામાં ભારે પવન સાથે વરસાદ, 20થી વધુ ફીડરો ઠપ; વીજળી ગુલ થતા લોકોએ કર્યો MGVCL કચેરીએ હોબાળો

સ્થાનિક લોકોએ MGVCL કચેરીએ પહોંચી ઉગ્ર દલીલો કરી હોબાળો મચાવ્યો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 20 Mar 2026 12:57 PM (IST)Updated: Fri, 20 Mar 2026 12:57 PM (IST)
vadodara-heavy-rain-with-strong-wind-power-outages-20-feeders-shut-down
HIGHLIGHTS
  • વડોદરામાં માવઠા અને વાવાઝોડાનો કહેર
  • 11 વૃક્ષો ધરાશાયી, 20થી વધુ ફીડરો ઠપ
  • વીજળી ડૂલ થતાં MGVCL કચેરીએ હોબાળો

Vadodara unseasonal rain: વડોદરા શહેરમાં ગત મોડી સાંજે હવામાનમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ કુદરતી આફતના કારણે શહેરની વીજ વ્યવસ્થા સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ હતી, જેના પરિણામે હજારો નાગરિકોએ કલાકો સુધી અંધારામાં રહેવાની ફરજ પડી હતી.

ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી

વડોદરા ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, ભારે પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં અંદાજે 11 જેટલા વૃક્ષો ધરાશાયી થયાના કોલ મળ્યા હતા. આ તોફાની પવનની સીધી અસર વીજ લાઈનો પર પડી હતી. શહેરના મુખ્ય સબ સ્ટેશનમાં ટેકનિકલ ખામી સર્જાતા 20થી વધુ ફીડરો એકાએક ઠપ થઈ ગયા હતા.

પશ્ચિમ-ઉત્તર વિસ્તારમાં વીજ ગુલ થઈ

આ ખામીના કારણે શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારો સહિત અનેક સોસાયટીઓમાં વીજળી ગુલ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. વીજ કાપની સૌથી વધુ અસર કારેલીબાગ વિસ્તારમાં જોવા મળી હતી. અહીં લાંબા સમય સુધી વીજ પુરવઠો પુન સ્થાપિત ન થતા રહીશોનો સંયમ ખૂટી ગયો હતો.

સ્થાનિક લોકોનો MGVCL કચેરીએ હોબાળો 

મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો MGVCLની કારેલીબાગ પેટ વિભાગની નાયબ ઈજનેર કચેરીએ પહોંચી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ ત્યાં હાજર કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલ કરી હોબાળો મચાવ્યો હતો. સાથે જ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય વરસાદમાં પણ કલાકો સુધી વીજળી ગુલ રહેવી એ તંત્રની નબળાઈ છે.

તંત્રએ કહ્યું, 'સેફ્ટી પ્રોટોકોલ' ના કારણે વિલંબ 

સ્થાનિક લોકોના આક્રોશ વચ્ચે કારેલીબાગના ડેપ્યુટી એન્જિનિયર પંકજ પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાની શરૂઆતની એક કલાકમાં જ 7 ફીડરો બંધ થઈ ગયા હતા. ભારે પવન ફૂંકાતો હોય ત્યારે સેફ્ટી પ્રોટોકોલ મુજબ તાત્કાલિક વીજ પુરવઠો ચાલુ કરવો અત્યંત જોખમી હોય છે. વાવાઝોડું શાંત પડ્યા બાદ તંત્ર દ્વારા તબક્કાવાર કામગીરી શરૂ કરવામાં આવી અને રાત્રે 11 વાગ્યા સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં લાઈટ ફરી ચાલુ કરી દેવામાં આવી હતી.