વડોદરામાં 7 ઈંચ વરસાદથી હાલાકી, 1500થી વધુ વીજ ફરિયાદો; બરાનપુરામાં બાલ્કની ધરાશાયી, ત્રણનો આબાદ બચાવ

વરસાદ અને પવનના કારણે જિલ્લાના વાઘોડિયા તાલુકામાં 11 જેટલા વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 25 Jul 2026 10:04 AM (IST)Updated: Sat, 25 Jul 2026 10:04 AM (IST)
vadodara-heavy-rain-power-outage-tree-fall-baranpura-balcony-collapse
Vadodara Rain Report and Damage

Vadodara Rain Report and Damage:વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સતત વરસી રહેલા અંદાજે 7 ઈંચ જેટલા ભારે વરસાદને કારણે જનજીવન પર વિપરીત અસર પડી છે. શહેરમાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીના કારણે નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વધુમાં, વીજ પુરવઠો ખોરવાતા લોકોની મુશ્કેલી વધી હતી.

વીજ સંબંધિત ફરિયાદો ડબલ થઈ ગઈ

વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. સામાન્ય દિવસોમાં વીજ કંપનીને સરેરાશ 700 જેટલી ફરિયાદો મળતી હોય છે. પરંતુ, ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ ફરિયાદો વીજ કંપનીની ઓફિસોમાં નોંધાઈ હતી.

વાઘોડિયામાં 11 વીજપોલ ધરાશાયી થયા

વરસાદ અને પવનના કારણે જિલ્લાના વાઘોડિયા તાલુકામાં 11 જેટલા વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. આ સિવાય MGVCL હેઠળ આવતા નડિયાદ અને આણંદ વિસ્તારમાં પણ વીજપોલ પડી જવાની ઘટના બની હતી. જોકે, વાઘોડિયામાં અધિકારીઓએ તાત્કાલિક અન્ય પોલ પરથી વૈકલ્પિક વીજ પુરવઠો ચાલુ કરી દેતા નાગરિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.

MGVCL તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

રહેણાંક વિસ્તારોમાં લાઈટો બંધ થવાની ફરિયાદોને પગલે વીજ કંપનીની ટીમોએ વરસાદ અને ભરાયેલા પાણી વચ્ચે પણ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરી દીધો હતો. હાલમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને વીજ કંપનીએ પોતાની ટીમોને એલર્ટ પર રાખી છે.

બરાનપુરામાં બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી

ભારે વરસાદ વચ્ચે મોડી રાત્રે શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી એક ચાર માળની બિલ્ડીંગના ચોથા માળની બાલ્કનીનો ભાગ અચાનક ધરાશાયી થયો, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતા જ ગાજરાવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મકાનમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ ન હતી.

વહીવટી તંત્રની બચાવ અને રાહત કામગીરી

વડોદરા શહેરમાં રસ્તાઓ બ્લોક થવા અને બે સ્થળે બાલ્કની અને દીવાલ ધરાશાયી થવાની ઘટના ઉપરાંત, અલગ-અલગ વિસ્તારોમાં અંદાજે 19 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાના કોલ પણ ફાયર વિભાગને મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ ત્વરિત કામગીરી કરીને રસ્તા પર પડેલા ધરાશાયી વૃક્ષોને ખસેડીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.