GSEB HSC 12th Results 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામોમાં વડોદરાની દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મર્યાદિત સાધનો અને આર્થિક સંકડામણનો સામનો કરતા પરિવારોની આ દીકરીઓએ સાબિત કરી દીધું છે કે મક્કમ મનોબળ આગળ કોઈપણ પરિસ્થિતિ નડતરરૂપ બનતી નથી.
કાજલ અગ્રવાલ: A1 ગ્રેડ સાથે 98.47 પર્સન્ટાઇલ
વડોદરાના છાણી TP-13 વિસ્તારમાં કાજલના પિતા લક્ષ્મણભાઈ અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર (કરિયાણાની દુકાન) ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોવા છતાં, પિતાએ કાજલના અભ્યાસમાં કોઈ કચાશ આવવા દીધી નહોતી.
આ મહેનત અને પરિવારના સથવારાના પરિણામે કાજલે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 90.8 ટકા અને 98.47 પર્સન્ટાઇલ સાથે A1 ગ્રેડ હાંસલ કર્યો છે. કાજલે પોતાની આ ગૌરવશાળી સિદ્ધિનો સંપૂર્ણ શ્રેય સતત મહેનત અને પરિવારના સહયોગને આપ્યો છે.
પટાવાળાની દીકરી કસ્તુરીનું 'CA' બનવાનું લક્ષ્ય
શહેરની નામાંકિત જીવન સાધના સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા કર્મચારીની દીકરી કસ્તુરી પાનબંદેએ પણ 91 ટકા અને 98.40 પર્સેન્ટાઈલ મેળવીને સૌને ગૌરવ અપાવ્યું છે. કસ્તુરીની આ સફળતા પાછળ તેના માતા-પિતા અને દાદીની સતત હૂંફ અને પ્રોત્સાહન રહેલા છે.
દીકરીના અભ્યાસ માટે પરિવારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપી હતી, જેથી તે એકચિત્તે ભણી શકે. પોતાની આકાંક્ષાઓ અને ભવિષ્યના લક્ષ્ય અંગે વાત કરતા કસ્તુરીએ જણાવ્યું હતું કે, તે આગળ અભ્યાસ કરીને CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) બનવા માંગે છે અને તેના પરિવારના તમામ સપના પૂરા કરવા ઈચ્છે છે.
આ પણ વાંચો: VIDEO: ચાલુ બુલેટ પર કપલનો ‘અશ્લીલ’ રોમાન્સ; વડોદરાના રસ્તાઓ પર કર્યા જોખમી સ્ટંટ, જુઓ વીડિયો
સંઘર્ષ અને પરિશ્રમનું શ્રેષ્ઠ ઉદાહરણ
કરિયાણાની દુકાન ચલાવતા પિતા અને શાળાના પટ્ટાવાળાની દીકરીઓએ મેળવેલી આ સિદ્ધિ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ બંને તેજસ્વી વિદ્યાર્થિનીઓએ સાબિત કર્યું છે કે સાચી દિશાની મહેનત હંમેશા સુખદ પરિણામ આપે છે, અને હવે તેઓ ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધી રહી છે.
