Gorwa Janakpuri Bridge: વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં જનકપુરી પાસે નર્મદા કેનાલ પર આવેલા બ્રિજની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. બ્રિજ પર અચાનક મોટું ગાબડું પડતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોઈ મોટી જાનહાનિ ન થાય તે હેતુથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજને બેરીકેટ લગાવી રાહદારીઓ તથા વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે.
જર્જરિત હાલતમાં હતો બ્રિજ, સળિયા દેખાવા લાગ્યા
પ્રાપ્ત વિગતો મુજબ, જનકપુરી વિસ્તારનો આ બ્રિજ છેલ્લા લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. ગાબડું પડતાં બ્રિજના કોંક્રીટ નીચેના લોખંડના સળિયા સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા હતા. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, અગાઉ જ્યારે પણ કોઈ ભારે વાહન બ્રિજ પરથી પસાર થતું ત્યારે આખો બ્રિજ ધ્રૂજતો હોય તેવો અનુભવ થતો હતો. તંત્ર દ્વારા કોઈ કાયમી સમારકામ કરવામાં આવ્યું નહોતું.
મહાનગરપાલિકા ટીમે બ્રિજ બંધ કર્યો
ગાબડું મોટું થતાં સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. જાણ થતાં જ કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે બ્રિજને બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજ જનકપુરી ગામ તેમજ આસપાસના વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીં રોજ હજારો લોકોની અવરજવર રહેતી હતી.
બ્રિજ સામે જ શાળા, વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે
બ્રિજની સામે જ સરકારી શાળા આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરતા હતા. હવે બ્રિજ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ તથા સ્થાનિક લોકોને 1 થી 2 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવા મજબૂર થવું પડશે, જેના કારણે ભારે અસુવિધા સર્જાઈ છે.
નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ
હાલમાં જનકપુરી બ્રિજ પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે બ્રિજનું સંપૂર્ણ સમારકામ ન થાય ત્યાં સુધી આ માર્ગ પરથી અવરજવર પર પ્રતિબંધ રહેશે. સાથે જ નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
